નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદ સભ્યપદ ગૂમાવ્યા બાદબાદ પોતાના ટ્વિટર (Twitter) બાયોમાં ફેરફાર કર્યા છે. રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવ્યા બાદ સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં અયોગ્ય સાંસદ લખ્યું છે. રાહુલે પોતાના બાયોમાં ‘ડિસ્ક્વોલિફાઈડ એમપી’નો ખાસ ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ આ બાબતને ગંભીરતાથી લઈને આજે એક દિવસીય ‘સંકલ્પ સત્યાગ્રહ’ કરી રહી છે. પાર્ટીના કાર્યકરો દેશભરમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દે માત્ર દિલ્હીમાં જ નહીં, કોંગ્રેસ તમામ જિલ્લા મુખ્યાલયોમાં એક દિવસીય સત્યાગ્રહ કરી રહી છે.
રાહુલને 2 વર્ષની જેલની સજા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં બે વર્ષની સજા થયા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેને સુરત સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેની સાથે કોર્ટે રાહુલની જેલની સજાને એક મહિના માટે સ્થગિત કરી હતી. જો કે તેની પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે.
પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. માફી માંગીને આ મુદ્દો ઉકેલવા અંગે રાહુલે કહ્યું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધીજી કોઈની માફી માંગતા નથી.
‘PM મારા આગામી ભાષણથી ડરી ગયા’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા દિવસે કહ્યું હતું કે, ‘મેં ઘણી વખત કહ્યું છે કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. રોજેરોજ આપણને આના નવા દાખલા મળી રહ્યા છે, મેં સંસદમાં પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી. વડા પ્રધાન મારા આગામી ભાષણથી ડરી ગયા હતા, તેથી મને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે.
આખરે સમગ્ર મામલો શું છે?
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં કર્ણાટકમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી’ અટકને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- બધા ચોરની અટક મોદી કેમ છે? આ નિવેદન બદલ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટમાં કેસની સુનાવણી થઈ અને કોર્ટે રાહુલને દોષિત માનીને બે વર્ષની સજા ફટકારી. આ પછી, નિયમો અનુસાર, લોકસભા સચિવાલયે કાર્યવાહી કરી. લોકસભા સચિવાલયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી દીધી છે. તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સાંસદ હતા. રાહુલનું નામ લોકસભાની વેબસાઈટ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.