સ્ત્રી વગર સૃષ્ટિના નિર્માણની કલ્પના નથી કરી શકાતી. હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવીની ઉપમા આપવામાં આવી છે. ભારતીય સ્ત્રીને ગુણોનો ભંડાર કહેવામાં આવે છે. ચાણક્ય નીતિમાં સ્ત્રીઓના ગુણો વિશે સૂક્ષ્મતાથી પ્રકાશ પાડવામાં આવ્યો છે તેમાં સ્ત્રીને પ્રથમ શિક્ષક કહેવામાં આવી છે. સ્ત્રી હોવું એટલે ભગવાનનો એક સુંદર ઉપહાર ગણાય. આ સુંદર ઉપહારમાં કેવો એક ગુણ હોવો જોઈએ જે તેને ગુણિયલ નારી કહેવડાવે છે? તેની પર સદીઓથી ચર્ચા થતી જ રહી છે. એ જમાનો કે જ્યારે સ્ત્રી ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નોકરી માટે જતી નહોતી ત્યારે તેનામાં પરિવારને એકસૂત્રતામાં બાંધીને રાખવાનો ગુણ હોવો જોઈએ તેવું માનવામાં આવતું. આધુનિક યુગમાં જ્યારે સ્ત્રી પણ પુરુષસમોવડી બની છે ત્યારે તેનામાં કયો એક ગુણ હોવો જોઈએ તે વિશે વિચારો અને વ્યવહારોથી હવે મોડર્ન બનેલા સુરતીઓ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
પૈસાની બચતનો ગુણ હોવો જોઈએ: અર્પણ દલાલ
શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતાં 33 વર્ષીય અર્પણ દલાલ મેન એથનિક વેરના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘આજના અનિશ્ચિતતાના દોરમાં મહિલાઓમાં ધનસંચય- પૈસાની બચત કરવાનો ગુણ હોવો જરૂરી છે. જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તેના પરિવાર પર ક્યારેય આર્થિક સંકટ તોળાતું નથી. શાસ્ત્રો અનુસાર સ્ત્રીને પૈસાની બચત કરતા આવડવું જોઈએ. આ જ ધન વ્યક્તિને વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શ્રેષ્ઠ સ્ત્રી પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. આવી સ્ત્રીઓ વર્તમાન અને ભવિષ્યની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પૈસાનો ઉપયોગ કરે છે. મારી વાઈફમાં આ ગુણ છે જેનો પરિચય મને નોટબંધીમાં થયો હતો. તે સમયે 500-500ની નોટો ઘરમાંથી નીકળી ત્યારે મને મારી વાઈફમાં બચતના ગુણ દેખાયા. કોરોનામાં પણ જ્યારે મારો બિઝનેસ ધીમો પડ્યો હતો ત્યારે મારી પત્નીએ કરેલી પૈસાની બચત કામમાં આવી હતી. હું માનું છું કે સ્ત્રી શિક્ષિત પણ હોવી જોઈએ અને સાહસિક પણ હોવી જોઈએ. મેં મારી પત્નીને મેરેજ બાદ બાકી રહેલું કોલેજ શિક્ષણ અને હાયર એજ્યુકેશન અપાવ્યું. આજે તે ટીચર છે અને બાળકોને જ્ઞાન આપી રહી છે.’’
શાંત સ્વભાવ અને દાનવીર: આશિષ ચેવલી
શહેરના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય આશિષ ચેવલી કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘આમ તો સ્ત્રી સર્વ ગુણ સંપન્ન જ હોય છે પણ હું માનું છું કે જે સ્ત્રી સ્વભાવથી શાંત હોય છે અને પૂરા ઘરની સંભાળ રાખે છે, ઘરનાં બધાં જ કામ શાંતિથી પૂરાં કરે છે તેનાથી લક્ષ્મીદેવી સદેવ પ્રસન્ન રહે છે અને જે સ્ત્રીના હાથમાં દાનની રેખા છે એટલે કે જે સ્ત્રી પોતાના ઘરના બારણેથી કોઈ ગરીબને ખાલી હાથ નથી જવા દેતી તે સ્ત્રીનું ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે. જે ઘરમાં આવા ગુણવાળી સ્ત્રી હોય છે તેમના ઘરે ગરીબી દસ્તક નથી આપતી. મારી પત્ની છાયલ ગરીબોને મદદરૂપ થાય છે. ગરીબ બાળકોને કપડાં અને પુસ્તકોનું દાન કરે છે. વળી, સ્ત્રીમાં સાહસિકતાનો ગુણ પણ હોવો જોઈએ. જેથી તે દરેક વિપરીત સ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકે છે.’’
સ્ત્રી ધર્મનું પાલન કરનારી: મયૂર પ્રજાપતિ
શહેરના ભટાર રોડ વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય મયૂર પ્રજાપતિ સીઝનલ ધંધો કરે છે. તેઓ જણાવે છે કે, ‘‘સ્ત્રી ધર્મનું પાલન કરવાવાળી હોવી જોઈએ. પ્રાચીન કાળથી જ સ્ત્રી ઘર પરિવારને સાચવતી આવી છે. તે સાસુ-સસરાનું કહ્યું માનનારી હોય છે તો પતિ ની માર્ગદર્શક પણ હોય છે. મારી પત્ની ફાલ્ગુની મને દરેક સ્થિતિમાં સહયોગ આપે છે તે મારી પત્ની હોવા ઉપરાંત મારી સારી મિત્ર છે. મારા પરિવારની માન-મર્યાદાનું ધ્યાન રાખે છે. મારી પરસેવાની કમાણી નો વ્યય નથી થવા દેતી. મારી અને મારા માતા-પિતા અને મારી દીકરીની ખુશી શેમાં છે તે સારી પેઠે જાણે છે. હું બીઝનેસ કરતો હોવાથી સતત વ્યસ્ત રહું છુ આવી સ્થિતિમાં મારી પત્ની જ દીકરી ને ભણાવનાની જવાબદારી લે છે. તે મારા સાસુ-સસરા પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાને પણ નારીધર્મ માને છે.’’
સારા સંસ્કાર જરૂરી: પ્રજ્ઞાબેન પંડયા
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય પ્રજ્ઞાબેન પંડ્યા L.I.C. એજન્ટ છે. પ્રજ્ઞાબેને જણાવ્યું કે, ‘‘મહિલામાં સારા સંસ્કાર હોવા જોઈએ. જેમ તે પોતાનાં માતા-પિતાને માન આપે છે અને તેમને સાચવે છે તેમ લગ્ન બાદ તેનાં સાસુ-સસરાને પણ સાચવે અને માન આપે. મારી ડોટર ઇન લો દેવાંશી સંસ્કારી વહુ છે. તે જેવી વસ્તુઓ તેનાં માતા-પિતા માટે લાવે છે તેવી જ વસ્તુઓ મારા અને મારા હસબન્ડ માટે લાવે છે. જોબ કરતી હોવા છતાં ઘરના બધાને સમયસર ભોજન મળી રહે તેનું ખાસ ધ્યાન રાખે છે. દેવાંશી જ્યારે અમારા ઘરમાં પરણીને આવી ત્યારે પહેલી વાર મારો દીકરો તેને લઈને ગોવા ફરવા ગયો હતો ત્યારે દેવાંશીએ તેના મમ્મી માટે જેવી જવેલરી લીધી હતી તેવી સેમ જ જવેલરી મારા માટે પણ લાવી હતી. જેવલરી એક્ઝિબિશનમાંથી એક વખત તે મને મોટી અંગૂઠીઓ પહરવી ગમે એવી અંગૂઠી મારા અને તેના મમ્મી માટે લાવી હતી. જો કે, કોરોનામાં દેવાંશીનાં મમ્મી અને પપ્પાનું અવસાન થયું હતું. તે મારામાં તેની મમ્મીને જુએ છે.’’
સંસ્કાર અને મધુર વાણી: ભાવેશ દમવાળા
શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતાં 38 વર્ષીય ભાવેશ દમવાળા યાર્ન કલેક્શન મેનેજર છે. તેમણે જણાવ્યું કે, ‘‘સ્ત્રીમાં સંસ્કાર અને મધુર વાણીનો ગુણ હોવો જ જોઈએ. કહેવાય છે ને કે, વાણી જ સંબંધો બનાવે છે અને બગાડે પણ છે. શાસ્ત્રો અનુસાર મધુર વાણી બોલનારી સ્ત્રી પરિવાર માટે સૌભાગ્યશાળી માનવામાં આવે છે. મધુરભાષી મહિલા હંમેશાં પરિવારને, મિત્રોને, પાડોશીઓને એકસૂત્રમાં બાંધીને રાખે છે. એવું જ સંસ્કારી સ્ત્રીઓનું પણ છે. તેના સારા સંસ્કાર તેને સન્માન અપાવે છે. તે હંમેશાં પિયર અને સાસરી પક્ષની પ્રતિષ્ઠાને વધારે છે. મારી વાઈફ ચૈતાલી મધુરભાષી છે તેની મીઠી વાણીને કારણે તેને અમે પાર્લે-જી બીસ્કીટનું ઉપનામ આપી દીધું છે. તેને અમે મીઠી ચોકલેટ પણ કહીએ છીએ. તેનામાં બધાંને એકસૂત્રતામાં બાંધી રાખવાના સંસ્કાર પણ છે.’’
શિક્ષણ અને સાહસિકતાનો ગુણ: ડૉ. ચેતા દેસાઈ
શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતાં 38 વર્ષીય ડૉ. ચેતા દેસાઈ ભગવાન મહાવીર કોલેજના પ્રિન્સિપાલ છે. તેમણે જણાવ્યું કે, ‘‘એક મહિલા શિક્ષિત અને સાહસિક હોવી જોઈએ. શિક્ષિત હશે તો તેની મેળે જ સાહસિક બની જશે અને કોન્ફિડન્ટ બનશે. મેં B.Sc. કર્યું છે, MBA કર્યું છે અને Ph.D પણ કર્યું છે. હું ઉચ્ચ શિક્ષિત છું એટલે મારા માર્ગદર્શનમાં 10 હજારથી વધુ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષિત બન્યા છે. હું માનું છું કે સ્ત્રી સાહસિક પણ હોવી જોઈએ. તો જ તે વિપરીત પરિસ્થિતિનો સારી પેઠે સામનો કરી શકશે. હું નાની હતી ત્યારે મારા મોટી બેન કરતાં હું વહેલી સાઈકલ ચલાવવાનું શીખી. મેં ડુમસના બીચ પર બુલેટ ચલાવ્યું છે. મારામાં બાળપણથી જ ડેરિંગ છે. હું ઘરનું મેનેજમેન્ટ કરવાનું પણ સારી પેઠે જાણું છું.’’
આમ તો સ્ત્રી એ ગુણોનો ભંડાર ગણાય જ છે. દરેક વ્યક્તિની સ્ત્રીના ગુણ વિશેની વ્યાખ્યા અલગ-અલગ હોય છે. કોઈ માને છે કે સ્ત્રીમાં સહનશીલતાનો ગુણ હોવો જોઇએ. આવી સ્ત્રી મુશ્કેલ ઘડીમાં પણ ધૈર્યથી પરિવારને એકસૂત્રતામાં બાંધીને રાખી શકે છે. જે મહિલા સંતુષ્ટ હોય તે લાલચ નથી કરતી. લાલચી સ્ત્રી ઘરની માન-મર્યાદાને નજરઅંદાજ કરીને નુકસાન પહોંચાડતા પણ ખચકાતી નથી. સંતુષ્ટ સ્ત્રીનો પરિવાર પણ ખુશ રહે છે. સ્ત્રીમાં શાંત રહેવાનો ગુણ હોય તો ઘરમાં સુખ-શાંતિ રહે છે. જો કે એક સ્ત્રીમાં બધા જ ગુણો હોય તે સંભવ નથી પણ સ્ત્રી ગુણિયલ હોય તો તેના પરિવારમાં ખુશાલીનો માહોલ હોય છે….