તાજેતરમાં અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ કિરણ પટેલ નામની વ્યક્તિએ પોતાની ઓળખ પ્રાઈમ મિનિસ્ટર (પી.એમ. ઓ. )તરીકે ઓળખાવીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ તેમજ બુલેટ પ્રુફ કાર મેળવીને vvip સુવિધા મેળવી હોટેલમાં રોકાયા. માનવીના મગજમાં ચાલતા વિચારોને જાણી શકાય એવા કોઈ સાધનની શોધ થઇ નથી એટલે આવા કિરણ પટેલ જેવા ઠગ, જૂઠા અને મક્કાર ફાંકડી વાક્ છટાથી અન્યને આંજી નાખવામાં સફળતા પ્રાપ્ત કરે છે. પરંતુ અહીં એક પ્રશ્ન થાય કે આ બધું કેવી રીતે બની શકે? પ્રથમ તો સંબંધિત કેન્દ્ર તેમજ રાજ્ય સરકારમાં પ્રોટોકોલ વિભાગ હોય છે.
પ્રોટોકોલ વિભાગ દ્વારા જે પ્રોટોકોલ મુજબ આવતા હોય તેવા અધિકારી કે મંત્રી, vip ના કાર્યક્રમની આગોતરી જાણ જે તે રાજ્ય સરકારના પ્રોટોકોલ વિભાગને કરવાની પ્રણાલી છે, તો પછી આ કિસ્સામાં આવું કેમ બનવા પામ્યું? શું જમ્મુ કાશ્મીરના પ્રોટોકોલ વિભાગે આની તપાસ ન કરી હોય? આજે સામાન્ય માનવીએ એક સરકારી કાર્યાલયમાં કામ કઢાવવું હોય તો નવનેજાં પાણી ચઢે, દેશમાં વાહન હંકારનાર ટ્રાફિક પોલિસથી ડરે.વિચારો, કિરણ પટેલ જેવા દેશમાં કેટલા હશે. ટૂંકમાં, હવે એક વાત સાબિત થાય કે દુનિયામાં સીધા, સાદા, ભલા ભોળા માનવીનું કામ જ નથી. આ કળિયુગ છે એટલે જૂઠા અને મક્કાર બીજાને આંજી નાખે તેવાની જરૂર છે. તંત્રી લેખમાં ખૂબ વિગતે છણાવટ કરી છે. સુરક્ષાની બાબત વિશે પણ સજાગ રહેવાની જરૂર છે.બીજું કે હવે વિશ્વાસ જેવું કંઈ રહ્યું નથી. કોના પર વિશ્વાસ મૂકવો અને કિરણ પટેલ જેવાને શોધવા જતાં કેટલા નિર્દોષ પણ સંડોવાઈ જાય એવું બને.
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આમજનતાની સરકાર
વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા રોજગાર, આરોગ્ય અને શિક્ષણમાં રહેલી ખામીઓમાંથી જૂજ ખામી સ્વીકારી સાચા વિકાસની દિશામાં પ્રથમ પગલું ભર્યાની શરૂઆત કરી એનો આનંદ છે. પરંતુ માત્ર આટલી ખામીઓ સ્વીકારવાથી સમસ્યા ઉકલી જતી નથી. આ ખામીઓ દૂર કરવા સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ અને પ્લાનિંગ સાથેના ઠોસ પગલાં અનિવાર્ય છે. ગુજરાતની તમામ જનતાને સ્પર્શતા આ ત્રણ ક્ષેત્રોમાં રહેલી સમસ્યાઓ સપાટી પર દેખાય એના કરતાં વાસ્તવમાં વધુ છે. ડબલ એન્જિનની સંવેદનશીલ સરકાર આ ત્રણ ક્ષેત્રોમાં રહેલી વાસ્તવિક સમસ્યાઓના ઉકેલને પ્રાધન્ય આપી આમજનતાની સરકાર છે એ પુરવાર કરવાના પ્રયત્નો કરશે જ એવી આશા.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.