Dakshin Gujarat

કોયારી ગામની પ્રા.શાળાનાં શિક્ષક બેંચ પર આરામ ફરમાવતા અને વિદ્યાર્થીઓ જાતે કરતા આ કામ

રાજપીપળા: નર્મદાના (Narmada) ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળાના (School) મુખ્ય શિક્ષક (Teacher) રાજુભાઇ સોલંકી બેન્ચ (Banch) પર લાંબાં થઈ આરામ ફરમાવી રહ્યા હતા તો બીજી બાજુ વિદ્યાર્થીઓ (Student) જાતે ભણી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો ઉતારનાર વ્યક્તિ એમને કહી રહ્યો છે કે સાહેબ ઉઠો 6 વાગ્યા તો શિક્ષક કહે છે કે હા હું ભાનમાં જ છું. આ વિડીયો વાયરલ થયાના તુરંત બાદ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રાથમિક શિક્ષણાધિકારીને ટીમને ઘટનાસ્થળે તપાસ માટે મોકલી આપી હતી. તો બીજી બાજુ આ શિક્ષક પીધેલી હાલતમાં સુઈ રહ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

ગુજરાત સરકાર એવો દાવો કરી રહી છે કે ગ્રામ્ય વિસ્તારમા ખુબ સારું શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે કોયારી ગામનો આ કિસ્સો ગુજરાત સરકારના એ દાવાને પોકળ સાબિત કરી રહ્યો છે. આ ઘટનાં બાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી અમુક શાળાઓના શિક્ષકો માત્ર ટાઈમ પાસ અને આરામ કરવા માટે જ આવતા હશે એવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ બાબતે શિક્ષક રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારે નવરાત્રીના ઉપવાસ ચાલી રહ્યા છે, હું બીપીનો દર્દી છું એટલે ગોળી લીધી હોવાથી મને ચક્કર આવતા હુ સુઈ ગયો હતો.

જયારે આ વીડિયો ઉતારનાર SMC અધ્યક્ષ મુકેશ તડવીએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે 21 મી તારીખે જ્યારે શાળામાં મિટિંગ થઈ ત્યારે મે રાજુભાઈને જણાવ્યું હતું કે તમે શાળામાં નશો કરીને આવો અને વધારે રજા પાડો એ હવેથી બિલકુલ નહીં ચાલે. મુકેશ તડવીએ વધુમા જણાવ્યું હતું કે આ શિક્ષક શાળામાં રજા ઘણી પાડે છે. અન્ય શાળાના શિક્ષકો ચાલુ શાળાએ ઊંઘી ન જાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ન બને એ હેતુથી મે આ વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો. આ બાબતે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે ટીમ તપાસ કરી રહી છે. વાલીઓ, SMC સભ્યો અને વિદ્યાર્થીઓના નિવેદનો લેવાશે.જો એમના અભિપ્રાયમાં શિક્ષક દોષિત જણાશે તો નમુનારૂપ કડક કાર્યવાહી થશે.

આ ઘટનાં બાદ પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શિક્ષકને ખરેખર ચક્કર આવ્યા હશે કે એ પીધેલી હાલતમાં સુતા હશે. આ વાયરલ વિડિયોમા જો તપાસ દરમીયાન શિક્ષક દોષિત જણાય તો એ શિક્ષક વિરૂદ્ધ કેવા પગલાં ભરાશે એ હવે જોવું રહ્યું. જો આ શિક્ષક પીધેલી હાલતમાં હોય તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંદી માત્ર કાગળ પર છે અને આવા શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે એમ કહીએ તો કોઈ અતિશયોકિત નથી. સાથે સાથે અંતરિયાળ વિસ્તારની શાળામાં અધિકારીઓ દ્વારા યોગ્ય મોનીટરીંગના અભાવને કારણે પણ આવી ઘટનાઓ બની રહી હશે એમ જરૂર કહી શકાય.

Most Popular

To Top