વાપી: ઉદવાડા-વાપી વચ્ચે વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાવાની વધુ એક ઘટના બની છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ગુરુવારે સાંજે 6.34 કલાકે એક ગાય સાથે અથડાઈ હતી. ઘટના બાદ ડ્રાઈવરે ટ્રેન રોકી હતી. ટ્રેનને નુકસાન થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. ગાયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ, ટ્રેનમાં કોઈ નુકસાની ન થતા થોડીવારમાં મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. ટ્રેન પાંચ મિનિટ સ્થળ પર રોકાઈને મુંબઈ તરફ રવાના કરાઈ હતી.
- ગુરુવારે સાંજે 6.34 કલાકની ઘટના: વંદે ભારત ટ્રેન સાથે અથડાતા ગાયનું મોત
- ડ્રાઈવરે ટ્રેન રોકી તપાસ કરી, કોઈ નુકસાન નહીં હોય 5 મિનીટ બાદ ટ્રેન મુંબઈ તરફ રવાના થઈ
અમદાવાદ-મુંબઈ વચ્ચેની બહુચર્ચિત ટ્રેન વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉદવાડા પાસે થોડા દિવસો પહેલા એક બનાવ બન્યો હતો. જોકે, ગુરુવારે ફરી ઉદવાડા અને વાપી વચ્ચે ગાયની ટક્કર થઈ હતી.
ગુરુવારે સાંજે વંદે ભારત ટ્રેન 5.28 કલાકે સુરત સ્ટેશને પહોંચી હતી. અહીંથી મુંબઈ જવા નીકળ્યા બાદ સવારે 6.34 કલાકે ઉદવાડા-વાપી વચ્ચે ટ્રેન સાથે ગાય અથડાઈ જતાં ડ્રાઈવરે તાત્કાલિક ટ્રેન રોકી હતી. ત્યારબાદ સ્ટેશન માસ્તરને પણ જાણ કરવામાં આવી હતી. આ સાથે ટ્રેનને નુકસાન થયું છે કે નહીં અને અન્ય કોઈ ખામી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી હતી. રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે અગાઉ પણ અનેકોવાર વંદે ભારત ટ્રેનને અકસ્માત નડી ચૂક્યા છે. વંદે ભારત ટ્રેન શરૂ થઈ તેના પહેલાં જ મહિને અમદાવાદમાં ભેંસ સાથે અને આણંદમાં ગાય સાથે જ્યારે વલસાડમાં બળસ સાથે ટ્રેનની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના એન્જિનના આગળના ભાગે ઘણું નુકસાન પણ થયું હતું.
વારંવાર અકસ્માત થતા હોવા છતાં ફેન્સીંગના કામમાં ઢીલાશ
અવારનવાર વંદે ભારત ટ્રેનની પશુઓ સાથે ટક્કર થતી હોવા છતાં હજુ તંત્ર જાગતું નથી. ટ્રેક પર પશુઓ અથડાતા અટકાવવા માટે અગાઉ તંત્ર દ્વારા ફેન્સીંગની કામગીરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તે કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ઉદવાડા-વાપી વિસ્તારમાં તો હજુ ફેન્સીંગનું કામ હજુ શરૂ થયું નથી.