ભરૂચ: ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પર ફાટક LC ગેટ 198 માં બુધવારે રાતે ડમ્પર ચાલકે ટક્કર મારતા પાવર સપ્લાય ફેઈલ થતા ટ્રેન વ્યવહાર 40 મિનિટ સુધી થંભી ગયો હતો. રાજધાની, અગસ્ટ ક્રાંતિ, તેજસ 9 થી વધુ પેસેન્જર ટ્રેનો ઘટનાના પગલે ભરૂચ સહિતના રેલવે સ્ટેશનો ઉપ૨ 40 મિનિટથી સવા કલાક સુધી રોકી દેવામાં આવી હતી અને તેથી વિવિધ સ્ટેશનો પર મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પાલેજ રેલવે સ્ટેશને ફાટક નંબર 198 પરથી બુધવારે રાતે 8 કલાકે ડમ્પર પસાર થઈ રહ્યું હતું. ડમ્પર ચાલકે LC ગેટના બેરીયરમાં ટક્કર મારતા બેરીયર ઊંચકાઈને ઓવરહેડ 25 હજારના કેબલમાં ભટકાતા પાવર ફેઈલ થઈ ગયો હતો. ઘટનાને પગલે મુંબઈ-વડોદરા અને વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર 8 કલાક અને 5 મિનિટથી થંભી ગયો હતો. પાલેજ નજીક ડમ્પરે રેલવે ફાટક સાથે અકસ્માત સર્જતાં સાંજના પીક અવર્સમાં રેલવેની તમામ પ્રીમિયમ ટ્રેનો પ્રભાવિત થવા સાથે અટકી ગઈ હતી.
પાવર ફેલિયરની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશનથી મેઇન્ટેનન્સ સ્ટાફ, અધિકારીઓ OHE વાન સાથે પાલેજ ઘટના સ્થળે દોડી ગયા હતા. બીજી તરફ પાલેજ રેલવે સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. રેલવે તંત્રે તાબડતોબ પાવર ફેઈલના કારણે અટકી ગયેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવા કવાયત હાથ ધરી હતી. પાવર ફેઈલ થવાથી ડાઉન લાઈન ઉપર મુંબઈ તરફથી આવતી રાજધાની, અગસ્ટક્રાંતિ, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, પ્રેરણા એક્સપ્રેસ, અજમે૨ સુપરફાસ્ટ, કચ્છ એક્સપ્રેસને જે તે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી.
ટ્રેનોનું નિયંત્રણ કરતી પેનલ સિસ્ટમમાં ફોલ્ટ સર્જાયો
બુધવારે રાત્રે રેલવે ફાટક ૧૯૮ના ગેટના બેરિયર સાથે કોઈ અજાણ્યા વાહન ચાલક અથડાતા બેરિયર ઓવર હેડ કેબલ સાથે અથડાતાં ધડાકાભેર વીજ પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને ટ્રેનોનું નિયંત્રણ કરતી પેનલ સિસ્ટમમાં ફોલ્ટ સર્જાતા સિગ્નલ સિસ્ટમ ખોટકાઈ ગઈ ગઈ હતી. ટ્રેનો પરનું નિયંત્રણ પાલેજ સ્ટેશન ટેક્નિશ્યનોએ ગુમાવી દેતાં અધિકારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
મોડી રાત્રે 10.30 કલાકે ટ્રેન વ્યવહાર પૂર્વવત્ત થયો
ઘટનાની જાણ ભરૂચ અને વડોદરા કરતા અધિકારીઓ ટેક્નિશયનો પાલેજ ખાતે દોડી આવી મોડી રાત્રે 10.30 કલાકે ટ્રેન વ્યવહાર કાર્યરત કરવામાં સફળતા મળી હતી. જે દરમ્યાન અનેક ટ્રેનો નબીપુર ભરૂચ, કરજણ, લકોદ્રા સ્ટેશનો પર અધવચ્ચે અટકી જવા પામી હતી. પાલેજ રેલવે ફાટક ૧૯૮માં અકસ્માતે નુકસાન સર્જાતા ફાટક બંધ પડતાં વાહનોનું ભારણ 197 (કિસનાડ ફાટક) પર વધી જતાં ટ્રાફિકની સમસ્યા બીજા દિવસે પણ ચાલુ રહી હતી.
ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઘટના સબંધે વડોદરા ભરૂચના રેલવે અધિકારીઓ આર.પી.એફ.ના ઉચ્ચ અધિકારીઓ પાલેજ દોડી આવ્યા હતા. ટ્રેનોની અવર-જવરમાં બીજા દિવસે પણ બાધા ચાલુ રહી હતી. રોજિંદા લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનોમાં મોટી સંખ્યામાં ભરૂચ સુરત વડોદરા અપડાઉન કરતાં નોકરિયાત વર્ગના મુસાફરો અટવાઈ ગયા હતાં. અકસ્માત કરી ભાગી ગયેલાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ રેલવે પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી હતી.
અમલસાડમાં સોસાયટીના મેઈન ગેટ સામે રેલવે ફાટકના લીધે લોકોમાં રોષ
અમલસાડ: વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચે ટ્રેઈન કોરિડોરનું કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે ત્યારે અમલસાડ ખાતે રેલવેની બે નવી લાઈનો નંખાઈ છે. રેલવે સ્ટેશનને અડીને આવેલા એલસી નં. 111 પર વધારાનો નવો ફાટક ઉભા કરવામાં આવ્યો છે. આ નવો ફાટક અહીંની શ્રીરંગ સોસાયટી, રિદ્ધસિદ્ધિ રો હાઉસ, પ્રમુખનગર સોસાયટી, હિદાયત સોસાયટી, દુર્ગાનગર, પ્રભાવતિ નગરની સામે જ બનાવ્યો છે, તેથી સોસાયટીમાં અવરજવરમાં તકલીફ પડતી હોય લોકોમાં રોષ વ્યાપી ગયો છે. રહીશોએ આ બાબતે નવસારી જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે અને ફાટકને અન્યત્ર ખસેડવા માંગ કરી છે.