કોઇ પણ અભિનેતા યા અભિનેત્રી પહેલી પાંચ ફિલ્મ રજૂ થાય ત્યાં સુધીમાં આગળની કારકિર્દીનો નકશો બનાવી લે છે. તેઓએ વધારે ઝનૂનપૂર્વક આગળની યોજના બનાવવી પડે છે અને સફળતા મળી ચુકી હોય તો તેના માટે બીજાઓમાં ઝનૂન આવી જાય છે. તૃપ્તિ ડીમરીનું પૂરું ફોકસ હિન્દી ફિલ્મો છે અને ટસની મસ થયા વિના તે હિન્દીમાં જ કામ કરે છે. તેની શરૂઆત કાંઇ ધમાકેદાર નહોતી કારણ કે તેની પહેલી ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’માં સની દેઓલ, બોબી દેઓલને કેન્દ્રમાં રાખનારી હતી અને તેમાં તે શ્રેયસ તળપદેની ગર્લફ્રેન્ડ તરીકે હતી.
પરંતુ ઇમ્તિયાઝ અલીએ લખેલી ‘લૈલા મજનુ’માં તે લૈલા હતી. આ એક મોટું પ્રમોશન કહેવાય. ફિલ્મ ચાલી હોત તો તૃપ્તિ અનેકની લૈલા બની ગઇ હોત. એ ફિલ્મમાં તેનો મજનુ અવિનાશ તિવારી હતો. કોઇ બીજો હોત તો ફિલ્મ મોટી બની હોત. પણ તે હારી નહીં અને અનુષ્કા શર્માએ તેની ફિલ્મ ‘બુલબુલ’માં વળી અવિનાશ તિવારી સાથે જ રિપીટ કરી. એ ફિલ્મ 1880ના સમયમાં બંગાળ પ્રેસીડેન્સીના પાર્શ્વભૂમાં બાળલગ્નની વાત કરે છે. એક સારો વિષય હતો. ‘બુલબુલ’ તરીકે તૃપ્તિનું કામ પણ વખણાયું પણ ફિલ્મ નવખણાતા તૃપ્તિ ફરી જયાંની ત્યાં થઇ ગઇ. પરંતુ ‘બુલબુલ’ની જ દિગ્દર્શક અન્વિતા દત્તે ફરી તેને ‘કાલા’માં સ્થાન આપ્યું અને એ ફિલ્મ પણ કોલકાતાના બેકગ્રાઉન્ડમાં બનેલી સાયકોલોજીકલ થ્રીલર હતી. આ વખતે તૃપ્તિ સાથે સ્વસ્તિક મુખરજી હતો.
તૃપ્તિ ડિમરીએ હવે પોતાની પોઝીશન બદલી છે. તે પહેલીવાર એ ફિલ્મમાં કામ કરે છે જેનો હીરો રણબીર કપૂર છે. પણ તૃપ્તિ પહેલા રશ્મિકા મંદાના, પરિણીતી ચોપરા છે. એ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગા કરે છે. તૃપ્તિને અફસોસ નથી કારણ કે ઘણા સ્ટાર્સ હોય તો ઘણા પ્રેક્ષકોની સામે તે આવશે. મુખ્ય નાયિકા તરીકે કામ કરો અને ફિલ્મ જોવા કોઇ ન આવે એના કરતા ભલે નાયિકા ન હોય પણ ફિલ્મ જોવા અનેક આવે તે જરૂરી છે. તે કહે છે કે મારી ટેલેન્ટને તો દિગ્દર્શકોએ જોઇ લીધી છે હવે પ્રેક્ષકો જુએ તે જરૂરી છે. તૃપ્તિની બીજી એક ફિલ્મ વિકી કૌશલ સાથે આવી રહી છે. એ ફિલ્મનો દિગ્દર્શક આનંદ તિવારી છે. હજુ એ ફિલ્મનું શીર્ષક નક્કી નથી થયું પણ વિકી કૌશલ સાથે ફિલ્મ હોવાથી તૃપ્તિ ખુશ છે. પાંચ ફૂટ સાત ઇંચની તૃપ્તિએ મોડલ તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. તેણે ટી.વી. કે વેબ સિરીઝ તરફ નજર નાંખી નથી. તે ગોર્જિયસ સ્માઇલ ધરાવે છે. અનુષ્કા શર્માના ભાઇ કર્ણેશ સાથેની તેની મૈત્રી જાણીતી બની છે. •