National

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષી: IPC કલમ 499, 500 હેઠળ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા કરી

સુરત: (Surat) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત જિલ્લા કોર્ટ પહોંચ્યા હતાં. સુરત કોર્ટે (Surat Court) રાહુલ ગાંધીને તેમની કથિત ‘મોદી સરનેમ’ ટીપ્પણી માટે તેમની સામે ગુનાહિત માનહાનિના કેસમાં (Case) દોષિત ઠેરવ્યા છે. IPC 499, 500 હેઠળ કોર્ટે રાહુલ ગાંધીને સજા કરી છે. ipcની કલમ 499, 500 હેઠળ 2 વર્ષની સજાની જોગવાઈ છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. જોકે તેમને જામીન પણ મળી ગયા છે. રાહુલ ગાંધીને સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતાં.

ચીફ જ્યૂડી.મેજી.કોર્ટના ન્યાયાધીશ એસ.એસ.વર્મા સમક્ષ પુર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાળાએ દલીલ કરી હતી કે 130 કરોડ લોકો માટે કાયદો ઘડનાર કાયદાનું ઉલ્લંઘન કરે એમાં મહત્તમ સજા થવી જોઈએ. પુર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાળાની દલીલ ચીફ કોર્ટના જજ એસ.એસ.વર્માએ ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસમાં ચુકાદા સામે અપીલ દાખલ કરવા સમય આપ્યો હતો. રાહુલ ગાંધી એ ચુકાદો સાંભળ્યા પછી કહ્યું હતું કે હું નિર્દોષ છું. મેં ચૂંટણી દરમિયાન જન હિતના મુદ્દા ઉઠાવ્યા હતા. જે નીરવ મોદી, લલિત મોદી સંદર્ભના હતા. કોઈની બદનક્ષી થાય એવું વક્તવ્ય આપ્યું ન હતું. જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા એ દેશ હિતમાં ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીના વકીલ તરફથી કરાઈ આ દલીલ
કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું આપે આપના બચાવમાં કઇ કહેવું છે. જોકે તેઓ મૌન રહ્યાં હતાં. રાહુલના વકીલ કિરીટ પાનવાળાએ કહ્યું આ કેસમાં અમે કોઈ દયા યાચના કરવા માંગતા નથી. કોઈ માફીની આશા નથી. કોર્ટ ઓછામાં ઓછી કાર્યવાહી કરે. અમે કોર્ટ જે ચુકાદો આપે એને ગુજરાત હાઇકોર્ટમાં પડકારીશું. આ કેસમાં કોઈને હાની થઈ નથી. સમાજને કે સમાજને કોઈ નુકશાન થયું નથી કે બદનામી થઈ નથી. અમે કોર્ટના ચુકાદાને પડકારીશું.  અમને પૂર્ણ ભરોસો છે કે હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે.

રાહુલ ગાંધી કેસમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ બાબુભાઇ માંગુકિયા સુરત કોર્ટમાં હાજર રહ્યાં હતાં. ચુકાદો અપાયા બાદ શક્તિસિંહ ગોહિલ સાથે રાહુલ ગાંધી કોર્ટની બહાર નીકળ્યા હતાં. આ પહેલાં રાહુલ ગાંધીના સ્વાગત માટે હજારો કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોર્ટની બહાર પણ કાર્યકર્તાઓનો જમાવડો રહ્યો હતો. ભારત જોડો યાત્રા બાદ સુરત ખાતે તેઓ પહેલી વખત આવ્યા હતાં. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમના સ્વાગતની વિશેષ તૈયારી કરવામાં આવી હતી. સ્વાગત માટે ડુમસ ચોકડી પાસે, વેસુ એનઆઇટી પાસે અને પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે ખાસ પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા. આ ત્રણેય પોઇન્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ હતો વિવાદ
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. તેમણે દેશનાં કૌભાંડોઓની વાત કરતા મોદી સરનેમનો ઉલ્લેખ કર્યો હતો. જાહેર મંચ પરથી તેમણે નીરવ મોદી અને લલિત મોદીનાં નામ લઈ નિવેદન કર્યું હતું કે તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. આ નિવેદન બાદ સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો.

Most Popular

To Top