World

ભૂકંપના કારણે પાકિસ્તાનમાં 9 લોકોના મોત, 160થી વધુ ઘાયલ

નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) બાદ સૌથી મોટો ભૂકંપ (Earthquake) મંગળવારે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કારણ કે ભૂકંપના ઝટકા પાકિસ્તાન (Pakistan) ,અફઘાનિસ્તાન (Afghanistan), ચીન, કિર્ગિસ્તાન તેમજ ભારતમાં (India) પણ અનુભવાયા હતા. મંગળવારે રાત્રે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુકુશ વિસ્તાર હતો, પરંતુ તેની અસર અફઘાનિસ્તાન સિવાય પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં જોવા મળી હતી. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. પાકિસ્તાનમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 160થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

રાવલપિંડીના બજારમાં નાસભાગ
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કેટલાક વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ભૂકંપ સમયે રાવલપિંડીના એક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં એક ઘરની છત તૂટી પડતાં એક પરિવારના ઓછામાં ઓછા પાંચ સભ્યો ઘાયલ થયા હતા. માહિતી અનુસાર, લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ઝેલમ, શેખુપુરા, સ્વાત, નૌશેરા, મુલતાન, સ્વાત, શાંગલા સહિત વિવિધ સ્થળોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારત, અફઘાનિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ચીન સહિત ઘણા દેશોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં 2ના મોત, એલર્ટ જારી
તીવ્ર ભૂકંપના ઝટકાના કારણે અફઘાનિસ્તાનમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે દેશભરના આરોગ્ય કેન્દ્રોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કાબુલના રહેવાસી નૂર મોહમ્મદે જણાવ્યું કે તેણે રાત્રે રસ્તા પર તંબુ નાખ્યો અને આખી રાત બાળકો સાથે તેમાં રહ્યો હતો. તેણે કહ્યું કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે અમે આખી રાત ઘરે પાછા ફરવાની હિંમત કરી શક્યા નહીં.

ગયા વર્ષે જૂન મહિનામાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં 1000 લોકોના મોત થયા હતા. હજારો લોકો બેઘર બન્યા હતા, ત્યારે ભૂકંપની તીવ્રતા 5.9 હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં 55,000 લોકોના મોત થયા હતા. બંને દેશોમાં લાખો ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ.

શ્રીનગરમાં ભૂકંપના કારણે ઘરોમાં તિરાડો પડી ગઈ છે
મંગળવારે રાત્રે 10.20 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈમારતો ધ્રુજારીને કારણે લોકો ભયભીત થઈ ગયા અને ઘરોમાંથી બહાર આવી ગયા. લગભગ એક મિનિટ સુધી આંચકા અનુભવાયા હતા. ભારતમાં ભૂકંપની સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા સહિત દિલ્હી-એનસીઆરમાં જોવા મળી હતી. શ્રીનગરમાં કેટલાક ઘરોમાં તિરાડો પણ પડી હતી. લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરતા દિલ્હી પોલીસે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.

સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ભારતમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. બહુમાળી ઇમારતોની પણ આવી જ હાલત છે. લોકો તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી ગયા હતા.ગભરાઈને આવેલા લોકોમાં વૃદ્ધ લોકો, મહિલાઓ અને નાના બાળકો પણ હતા, જ્યારે કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓને પણ સાથે લઈ ગયા હતા.

Most Popular

To Top