સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) ગામડાઓમાં કમોસમી માવઠું યથાવત રહ્યાની સાથે જ સતત આઠમાં દિવસે વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ (Rain) વરસ્યો હતો. આ વરસાદ સાથે જ કમોસમી વરસાદ માટે વર્ષ 2023નો માર્ચ મહિનો ડાંગ જિલ્લા માટે રેકોડબ્રેક ગણાશે.
- કમોસમી વરસાદ માટે વર્ષ 2023નો માર્ચ મહિનો ડાંગ જિલ્લા માટે રેકોડબ્રેક ગણાશે
- ડાંગ જિલ્લામાં સતત આઠમાં દિવસે કમોસમી છૂટોછવાયો વરસાદ
- માવઠાનાં પગલે ખેડૂતોના ભીંડા, ફણસી, કારેલા, કઠોળ, સ્ટ્રોબેરી સહિત આંબાનાં ફળને જંગી નુકસાન
દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં કમોસમી માવઠું દિન પ્રતિદિન ડાંગવાસીઓમાં ચિંતા વધારી રહ્યું છે. ડાંગ જિલ્લામાં વર્ષ 2023નો માર્ચ મહિનો કમોસમી વરસાદ માટે રેકોડબ્રેક ગણાશે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા આઠ દિવસથી ક્યાંક ધોધમાર, ક્યાંક મધ્યમ તો ક્યાંક છૂટોછવાયો અને કરા સાથે વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોને નિસાસા નાખવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગામડાઓમાં મંગળવારે સવારનાં સમયે છૂટોછવાયો વરસાદ પડતાં સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી.
ડાંગ જિલ્લાનાં મોટા ભાગનાં પંથકોમાં સતત આઠમાં દિવસે સવારથી સાંજ સુધીમાં વાદળછાયા વાદળોનો ઘેરાવો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગી ખેડૂતોનાં ભીંડા, ફણસી, કારેલા, અન્ય શાકભાજી તેમજ કઠોળ, સ્ટ્રોબેરી સહિત આંબાનાં ફળને જંગી નુકસાન થયું હતું. ચાલુ વર્ષે ડાંગ જિલ્લાનાં ખેડૂતોનાં આંબાનાં ફળ પર મબલખ પ્રમાણમાં આંબાનો મોર સહિત આંબાનાં ફળ બંધાયા હતા. પરંતુ સતત પડી રહેલા કમોસમી માવઠા તથા પવનનાં સુસવાટાએ આ મોર સહિત ફળને જમીનદોસ્ત કરી દેતાં ડાંગવાસીઓને માથે હાથ દઈ નિસાસો નાખવાનો વારો આવ્યો છે.