સુરત: (Surat) શહેરના લસકાણા ખાતે ડાયમંડનગરમાં રમતી અઢી વર્ષની બાળકીનું અજાણ્યો અપહરણ (Kidnapping) કરી લઈ ગયો હતો. પોલીસે સીસીટીવી (CCTV) ચકાસી સોસાયટીથી એકાદ કિમી દૂર આરોપીને પકડી પાડી બાળકીને છોડાવી લીધી હતી. સરથાણા પોલીસે ફરિયાદ (Police Complaint) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસની સતર્કતાને કારણે બાળકી સાથે દુષ્કર્મ થતા બચ્યુ હતુ.
- લસકાણા ડાયમંડનગરમાંથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, એકાદ કિમી દૂર આરોપીના ખોળે મળી આવી
- સરથાણા પોલીસ, ક્રાઈમ બ્રાંચની 6 ટીમો, 30 થી વધારે પોલીસકર્મીઓએ કામે લાગી બાળકીને બચાવી લીધી
- બાળકીને તેડીને લઈ જતા આરોપી સીસીટીવીમાં કેદ થતા પગેરુ મેળવી લેવાયું
- સરથાણા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં બાળકીને શોધી કાઢતા મોટી ઘટના અટકી
લસકાણા ડાયમંડનગરમાં રહેતા યુવકે સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની અઢી વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી છે. આજે બપોરે બારેક વાગે બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. બાળકીની માતાએ તેની શોધખોળ કરતા તે મળી આવી નહોતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અઢી વર્ષની બાળકી ગુમ થયાના બનાવની ગંભીરતા જાણી તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે સોસાયટીના સીસીટીવી ચેક કરતા એક વ્યક્તિ બાળકીને તેડીને લઈ જતો જોવા મળ્યો હતો. બાળકીને પકડી રાખી શારીરિક અડપલા કરતો જોવા મળ્યો હતો. બાળકીને બાદમાં ચોકલેટ આપી હતી. અને ત્યાંથી ચાલતો ચાલતો લઈને ગયો હતો. આ બનાવ બાદ એ ડિવીઝનના એસીપી વિપુલ પટેલ, સરથાણા પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા તેમની ટીમે કામે લાગીને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
આ સાથે જ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કામે લાગી ગઈ હતી. પોલીસની કુલ 6 ટીમ અને 30 થી વધારે પોલીસ કર્મી કામે લાગતા આરોપીને બાળકી સાથે પોલીસે ડાયમંડ નગરથી એકાદ કિમી દૂર પકડી પાડ્યો હતો. બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી લેવાઈ હતી. પકડાયેલા આરોપીનું નામ પુછતા સુનિલ શિવકૈલાશ કેવટ હોવાનું જણાવ્યું હતું. પોતે અલથાણમાં રહેતો હોવાનું અને લસકાણા તેના મામાના ઘરે મળવા આવ્યો હોવાનું કહ્યું હતું. તે મુળ ઉત્તરપ્રદેશ કાનપુરનો વતની છે. પોલીસે તેની વધારે પુછપરછ હાથ ધરી છે.
એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, બાળકીની શોધખોળમાં સરથાણા પીઆઈ વી.એલ પટેલ, ક્રાઈમ બ્રાંચ એસીપી અને પીઆઈ સહિતની ટીમોએ કામે લાગીને શોધી કાઢી હતી. બાળકી સાથે કોઈ અનબનાવ બન્યો છે કે કેમ તે માટે મેડિકલ તપાસ કરવામાં આવી છે. પોલીસની સતર્કતાએ બાળકી સાથે અઘટીત થતું અટકી ગયું હતું.