દેડીયાપાડા: દેડિયાપાડા તાલુકાના દેવીપાડા અને બોમ્બે કંપની વચ્ચે વળાંકમાં એસટી બસ (ST Bus) અને છકડો રિક્ષા (Rikshaw) વચ્ચે ગંભીર અકસ્માત (Accident) થતાં છકડો રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત થતા સરકારી એસ.ટી. બસનો ડ્રાઈવર (Driver) બસ મુકીને ફરાર થઇ ગયો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં (Police Station) એસ.ટી. બસ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- દેડિયાપાડાના દેવીપાડા ગામ પાસે એસ.ટી. અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- છકડો રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું
- બસનો ડ્રાઈવર બસ મુકીને ફરાર થઇ ગયો
દેડિયાપાડા તાલુકાના દેવીપાડા અને બોમ્બે કંપની વચ્ચે વળાંકમાં કુકરમુંડાથી સુરત જઇ રહેલી એસ.ટી. બસ નંબર GJ-18-z-7906ના ચાલકે પોતાની એસ.ટી. બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા તેની ટક્કર છકડો રિક્ષા નં.GJ-21-v-6274 સાથે થતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં બેસેલી વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. જેમાં સાગબારા તાલુકાના ડોરઆંબા ગામે રહેતા 65 વર્ષિય ગોનજી સામા વસાવાને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જી બસ ચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો. આ અંગે રિક્ષા ડ્રાઈવર તથા અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર એસટી બસ મુકીને ચાલક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. છકડો રિક્ષાના ચાલક અમેશ શનિયા વસાવે (રહે. અક્કલકુવા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) એ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ઓલપાડના મંદરોઇના ખેડૂતનું અજાણ્યા માર્ગ અકસ્માતમાં મોત
સાયણ: ઓલપાડ તાલુકાના મંદરોઇ ગામે પટેલ ફળિયામાં રહેતા ખેડૂત હસમુખભાઇ ડાહ્યાભાઇ પટેલ(ઉ.વ.૬૭)ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઇકાલે મોડી સાંજે અસનાડથી પ્લેટિના બાઇક ઉપર તેમના ઘરે મંદરોઇ આવી રહ્યાં હતાં ત્યારે અનસાડ પાટિયા નજીક કોઇ અજાણ્યા વાહને તેમને અડફેટે લઇ લીધા હતાં. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના નાના ભાઇ મોતીરામ પટેલની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.