સુરત: (Surat) અડાજણ વિસ્તારમાં રહેતી 93 વર્ષની વિધવા મહિલાએ દિકરા (Son) અને પુત્રવધુ વિરુદ્ધ સુરતની કોર્ટમાં (Court) ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ (Domestic Violence Act) અનુસાર રક્ષણ આપવા માટે અરજી કરી છે. કેસની વિગત એવી છે કે હાલમાં અડાજણ વિસ્તારમાં રહેતી 93 વર્ષિય નલિનીબેન મનસુખલાલ લાપસીવાલાએ પ્રોટેક્શન ઓફિસરના માધ્યમથી કોર્ટમાં દિકરા મનીષ લાપસીવાલા અને પુત્રવધુ વૈશાલી વિરુદ્ધ ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ અનુસાર રક્ષણ માટેની દાદ માંગતી અરજી કરી છે. કોર્ટે પુત્ર સામે નોટિસ ઇસ્યુ કરી છે.
- મુંબઈનો ફ્લેટ કબજે કરી લીધો, હવે સુરતની મિલકત પણ કબજે કરવા પ્રયાસ – પુત્ર અને પુત્રવધુએ કોરા કાગળો પર સહી કરાવી દવા બંધ કરાવી દેવાની ધમકી આપઈ
- માતાના શેર, એફ.ડી કબજે કરી પુત્ર-પુત્રવધુએ પાવર ઓફ એટર્ની પર સહી કરાવી લીધી – અલ્સરની બિમારીથી પીડાતી માતાના જમવામાં વધારે મરચુ નાખીને હેરાન કરવામાં આવતા
- ‘જો પ્રોપર્ટીના કાગળો પર સહી નહીં કરી, તો રીબાવી-રીબાવીને મારી નાખીશું, મોઢામાં મરચા ભરી દઈશું’
નલિનીબેન લાપસીવાલાની ફરિયાદ અનુસાર 1987માં તેમના પતિનું અવસાન થયું હતું. 25 વર્ષ પહેલા તેઓ મુંબઈમાં રહેતા હતા. અત્યારે અડાજણમાં રહે છે. તેમને સંતાનમાં એક દીકરી અને એક દોકરી મનિષ (54 વર્ષ) છે. વૈશાલી તેમની પુત્રવધુ છે. મનિષ અને વૈશાલી મુંબઈ રહેતા હતા. કોવિડની શરૂઆતમાં નલિનીબેન એકલા હતા ત્યારે તેઓએ પુત્ર અને પુત્રવધુની સાથે રહેવા સુરત આવવા કહેતા તેઓએ ના પાડી હતી. પછી અચાનક સુરત આવીને સાથે રહેવા લાગ્યા હતા. સુરત રહેવા આવ્યા બાદ બંને જણા નલિનીબેન સાથે નાની-નાની વાતે ઝઘડો કરવા લાગ્યા હતા. તેઓએ જબરજસ્તી કોરા કાગળો પર સહી કરાવી લીધી હતી. નલિનીબેન વિરોધ કરતા તેમની દવા બંધ કરાવી દેવાની ધમકી આપતા હતા.
માર્ચ 2021માં પુત્ર-પુત્રવધુ નલિનીબેનને બહુમાળી બિલ્ડિંગ લઈ જઈને કેટલાક કાગળો પર જબરજસ્તી સહી કરાવી લીધી હતી. નલિનીબેન જે દવાઓ લે છે તે દવાઓ પણ પુત્ર-પુત્રવધુએ બંધ કરાવી દીધી છે. સંયુક્ત નામે બેંક ખાતું છે તેની ચેકબુક પણ લઈ લેતા નલિનીબેન દવા માટે પણ રૂપિયા ઉપાડી શકતા નથી. નલિનીબેનના આધાર કાર્ડ અને દસ્તાવેજી પુરાવાઓ લઈ લીધા છે. નલિનીબેનના શેર, એફ.ડી વગેરે પણ પુત્ર-પુત્રવધુના કબજામાં છે. માર્ચ 2021માં જબરજસ્તી પાવર ઓફ એટર્ની પર સહી કરાવી લીધી હતી. નલિનીબેનને અલ્સરની બિમારી છે. તેથી મરચાનું સેવન નથી કરતા તો પણ જમવામાં મરચુ વધારે નાખીને નલિનીબેનને હેરાન કરતા હતા. પુત્ર-પુત્રવધુ ધમકી આપતા હતા કે ‘જો પ્રોપર્ટીના કાગળો પર સહી નહીં કરશો, તો રીબાવી-રીબાવીને મારી નાખશે, તમારા મોઢામાં મરચા ભરી દઈશું’.
જાન્યુઆરી 2023માં પુત્ર-પુત્રવધુએ એટલો ત્રાસ આપ્યો કે વોકરના સહારે ચાલતી નલિનીબેને ઘર છોડીને જીવ બચાવવા ભાગી જવું પડ્યું હતું. પુત્ર મુંબઈમાં સીએ છે. મુંબઈના પોશ એરિયામાં આવેલો પિતાનો 7 કરોડ રૂપિયાના ફ્લેટ બક્ષીસ દસ્તાવેજ બનાવી પચાવી પાડ્યો હતો. પુત્ર બીએમડબ્લ્યુ કારમાં ફરતો હોવા છતા માતાને ત્રાસ આપતો હતો. નલિનીબેને એડવોકેટ મેહલ મહેતા મારફત કોર્ટમાં પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે.