સુરત: (Surat) કતારગામ ગોટાલાવાડી ખાતે રહેતા રત્નકલાકારની (Diamond Worker) ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી હેક કરીને તેની બહેન અને સંબંધીઓને ચારીત્ર્ય બાબતે તથા બિભત્સ મેસેજો કરાયા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં બીબીએના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આરોપી રત્નકલાકારની બહેનના એકતરફી પ્રેમમાં હતો. અને રત્નકલાકારની તેની સાથે બોલાચાલી થતા બદલો લેવા તેને આ હરકત કરી હતી.
- એક તરફી પ્રેમમાં બીબીએના વિદ્યાર્થીએ ઇન્સ્ટા. પર યુવતીના ચારીત્ર્ય અંગે બિભત્સ મેસેજ કર્યા
- રત્નકલાકારની બહેનના એકતરફી પ્રેમમાં વિદ્યાર્થીએ બોલાચાલી થતા બદલો લેવા હરકત કરી
- સાયબર પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈડી હેક કરનાર આરોપીને ઝડપી પાડ્યો
કતારગામ ખાતે રહેતા રત્નકલાકાર વિકાસની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. અજાણ્યાએ હેક કરી હતી. અને તેમાંથી વિકાસના ફોઇના છોકરાની ફીયાંશીની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. માં મેસેજ કરી વિકાસની બહેનનો મોબાઇલ નંબર માંગ્યો હતો. વિકાસની બહેનને તેના મોબાઇલના વોટ્સએપમાં અલગ અલગ વર્તુયલ નંબરોથી મેસેજો કર્યા હતા. અને ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. માંથી વિકાસની ઇન્ટાગ્રામ આઇ.ડી. માં તેના ચારિત્ર બાબતેના ખોટા મેસેજો કરાયા હતા. તેમજ મેસેજોમાં અવાર નવાર ગાળો આપી હતી. આ અંગે જાણ થતા વિકાસે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રીન્સ વાલજીભાઇ ગોવિંદભાઇ પિપલીયા (ઉ.વ.૧૯ ધંધો. અભ્યાસ રહે.ઘર નં.૧૦૯, કંતારેશ્વર સોસાયટી, લલીતા સામું મૂહ ચોકડી પાસે, કતારગામ, સુરત શહેર. મુળ રહે ગામ. ખાંભા, તા.ખાંભા, જી. અમરેલી) ની ધરપકડ કરી હતી. આરોપી પોતે બીબીએનો અભ્યાસ કરે છે. અને વિકાસની બહેનના એકતરફી પ્રેમમાં હતો. વિકાસને જાણ થતા તેની સાથે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં તેને આ હરકત કરી હતી.
અમદાવાદના વેપારીની અલથાણના વેપારી સાથે 32.23 લાખની છેતરપિંડી
સુરત : અલથાણ ખાતે રહેતા અને અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં સાડી અને દુપટ્ટાના વેપારી પાસેથી 32.23 લાખનો માલ ખરીદી અમદાવાદના વેપારીએ પેમેન્ટ નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
અલથાણ રઘુવીર સેફરોનમાં રહેતા 33 વર્ષીય તરૂણભાઇ રાજેન્દ્રભાઇ કોઠારી અવધ ટેક્ષટાઇલ માર્કેટમાં બાલાજી ટેક્ષટાઇના નામથી સાડી અને દુપટ્ટાનો વેપાર કરે છે. ગત જુલાઇ-૨૦૨૧ માં તેમના કલકત્તાના વેપારી સુજીત બિસ્બાસ સુરત આવ્યા હતા. ત્યારે તેમને રેલ્વે સ્ટેશન સામે આવેલી હોટલમાં મળ્યા હતા. ત્યાં તેમની મુલાકાત મોહમદ તાકી મુઝાઇ હુસેન સૈયદ સાથે થઈ હતી. આ મોહમદ તાકીએ પોતે અમદાવાદ નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેશ પોઇન્ટમાં હુસેની ક્રિએશ નામથી સાડી તથા દુપટ્ટાના કાપડનો વેપાર કરતો હોવાનું કહ્યું હતું. તેમની વચ્ચે ધંધાની વાત થતા બાદમાં તેમને અમદાવાદ ટ્રાન્સપોર્ટ મારફતે ફેબ્રુઆરી 2022 થી એપ્રિલ 2022 સુધીમાં અલગ-અલગ બિલ ચલણથી જી.એસ.ટી. બિલથી મોહમદ તાકી મુઝાઇ હુસેન સૈયદને સાડી તેમજ દુપટ્ટાના કાપડનો 36.05 લાખનો માલ મોકલ્યો હતો. જેમાંથી 3.82 લાખનો માલ પરત આપ્યો હતો. અને બાકી માલના 32.23 લાખ લેવાના નીકળતા હતા. જોકે અવાર-નવાર ફોન કરતા પણ પેમેન્ટ નહીં આપી ઉડાવ જવાબ આપતા હતા. બાદમાં ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. અંતે વેપારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.