Madhya Gujarat

ધર્મજમાં બેન્કના અધિકારીઓને પોલીસ છાવરતી હોવાનો સુર

આણંદ : પેટલાદના ધર્મજ ગામમાં આવેલી પ્રતિષ્ઠીત ખાનગી બેન્કની શાખામાં મહિલા કર્મચારી સાથે બેન્કના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયેલા અણછાજતા વર્તનના ઘેરા પડઘા પડ્યાં છે. જોકે, આ કેસમાં પોલીસની તપાસ શંકાસ્પદ રહી છે. સ્થાનિક પોલીસે લીધેલા નિવેદનો બાદ વધુ તપાસ માટે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી હતી. ધર્મજની પ્રતિષ્ઠીત ખાનગી બેન્કની શાખામાં ઉચ્ચ અધિકારીઓએ મહિલા કર્મચારી સાથે કરેલા અણછાડતા વર્તનમાં સ્થાનિક પોલીસની તપાસ પર અનેક શંકાઓ ઉઠી છે.

મહિલાએ પોતાની પજવણી અંગે શબ્દશઃ અરજી કરી હોવા છતાં તેમજ જરૂરી પુરાવા રજુ કર્યાં હોવા છતાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ જાણે નિર્દોષ હોય તે રીતે આગળની કાર્યવાહી કરી હોવાનો સુર ઉઠ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ મામલાની તપાસ મહિલા અધિકારીને આપવા છતાં સ્થાનિક આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની કક્ષાના કર્મચારીએ નિવેદનો લીધાં છે. જેમાં મહિલાના નિવેદન સંદર્ભે કેટલાક વાંધાજનક સવાલો કરતાં સમગ્ર મામલો ફરી જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. જે બાબતની ગંભીરતા લઇ તેઓએ વધુ તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી. પટેલને સોંપી છે.

આ અંગે ભોગ બનનાર મહિલા કર્મચારીએ સૌ પ્રથમ આ જ બેન્કના આણંદ શાખાના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી હતી. જેઓ દ્વારા પગલાં ન લેતા તેઓએ ધર્મજના ઉચ્ચ અધિકારીને અનુસરતા આ મહિલાએ સર્કલ સુધીના અધિકારીને જાણ કરી હતી. આમ છતાં આ બધા ટોળાએ એક થઇને ભોગ બનનાર મહિલાને ધમકાવ્યાં હતાં અને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આથી, આ મહિલાએ કંટાળીને બેન્કની હાયર ઓથોરિટિને પણ જાણ કરી હતી. પરંતુ બેન્કના પોસ એક્ટની જોગવાઇ મુજબ કામગીરી ન થતાં અનેક તર્ક વિતર્કો ઉત્પન્ન થયાં છે.

પોસ એક્ટની જોગવાઇ મુજબ ફરિયાદના તારીખથી 45 દિવસમાં તેનો નિકાલ થઇ જવો જોઈએ અને કસુરવાર સામે પગલાં લેવા જોઈએ. પરંતુ આ કેસમાં પોસ દ્વારા વારંવાર મહિલાએ રજુઆત કરી પછી અંદાજે પાંચ મહિના બાદ ઓનલાઇન હિયરીંગ રાખવામાં આવ્યું હતું. જેમાં મહિલાનો મામલો હોવાથી મહિલાને બદલે પુરૂષ અધિકારી તેમજ આણંદના ઉચ્ચ અધિકારી સામેલ હતાં. જેને લીધે ભોગ બનનાર મહિલા કર્મચારી પોતાની રજુઆત સ્પષ્ટ રીતે કરી શક્યાં નહતાં. આ વાતનો ગેરલાભ ઉઠાવી મહિલાના કામગીરી અંગેના બહાના કાઢી બેન્કના અધિકારીએ પોતાની સત્તા અને હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે મહિલાને બળજબરી પૂર્વક રાજીનામું મુક્ય ન હોવા છતાં રીલીવીંગ લેટર મેઇલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આમ છતાં ઉપરી અધિકારીએ મુક પ્રેક્ષક બનીને તમાસો જોયા રાખ્યો હતો.

Most Popular

To Top