જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર પોલીસે એક એવા મોટા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. ગુજરાતના રહેવાસી આ વ્યક્તિનું નામ કિરણ ભાઈ પટેલ છે. તે પોતાને પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતા હતો. આટલું જ નહીં, ઠગ ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ સાથે રોજ LOCની મુલાકાત પણ લેતો હતો. તેમજ તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું હતું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જેકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.
ઠગ ઘણા મહિનાઓ સુધી એલઓસીની મુલાકાત લેતા હતા
આશ્ચર્યની વાત એ છે કે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવનાર આ ઠગ ઘણા મહિનાઓથી મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લેતો હતો. આ ઠગ એટલો હોંશિયાર હતો કે દૂધપથરીની મુલાકાત વખતે તેની સાથે SDM રેન્કનો અધિકારી પણ હતો. પરંતુ હવે ઠગાઈનો પર્દાફાશ થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. FIR મુજબ, નિશાત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર સામે IPC કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
PSO મળ્યો, લક્ઝરી હોટલમાં રોકાયો
મળતી માહિતી અનુસાર કિરણભાઈ પટેલે પીએમઓના એડિશનલ ડાયરેક્ટર તરીકે જમ્મુ અને કાશ્મીરમાં ટોચના અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. પોલીસ એફઆઈઆર અનુસાર, નિશાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને કાશ્મીર ઘાટીમાં અનેક ગતિવિધિઓ કરવામાં આવી હતી. ઠગ ગયા વર્ષે ઓક્ટોબરથી કશ્મીર ઘાટીમાં રહે છે અને સરકારી અધિકારી તરીકે તમામ સુવિધાઓ ભોગવી રહ્યો છે. તમને જણાવી દઈએ પીએમઓના ટોચના અધિકારીનું હોવાનું જણાવી તેણે Z+ જેવી સિક્યુરીટી તેમજ લક્ઝરી હોટલ, સરકારી ગાડીઓની સુવિધા મેળની છે. સૂત્રોનું માનીએ તો, જમ્મુ-કાશ્મીર અથવા કેન્દ્રીય એજન્સીને આ છેતરપિંડી વિશે જાણ થાય તે પહેલાં જ CIDએ આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.
પીએચડી ડિગ્રી મેળવી હોવાનું સામે આવ્યું
ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેમની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.
ગુપ્તચર એજન્સીના એલર્ટ બાદ ધરપકડ
એક અહેવાલો અનુસાર કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાના માર્ગો પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેમણે દૂધપથરીને પ્રવાસન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકે પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. આ પછી જ તેના પર કડક નજર રાખવામાં આવી હતી. ફરી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.