ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે આરોગ્ય વિભાગનું 15,182 કરોડનું બજેટ (Budget) મંજૂર કરાયુ હતું. આરોગ્યવિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વર્ષ 2023-24 ના અંદાજપત્રમાં નવીન ચાર મેડિકલ કૉલેજ (અરવલ્લી, છોટા ઉદેપુર, મહીસાગર, અને ડાંગ ખાતે ) ની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં ગત વર્ષની ત્રણ મેડિકલ કૉલેજની પણ આ વર્ષે મંજૂરી મળશે.આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં કુલ 43 મેડિકલ કૉલેજ કાર્યરત થશે. જેના થકી રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા નવા ડૉક્ટર્સ મળશે. રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબોનું આરોગ્યવિષક માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યમાં ટેલીમેડિસીન અને ઇ-સંજીવની સેવા ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 25.97 લાખ ટેલિ કન્સલ્ટેશન અને 9.87 લાખ જેટલા નાગરિકોએ ઇ-સંજીવની ઓ.પી.ડી.નો લાભ મેળવ્યો છે.
તેમણે કહયું હતું કે ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં કાર્યરત 272 ડાયાલિસીસ કેન્દ્રોના માળખાએ રાજ્ય અને રાજ્ય બહારથી કિડનીની સારવાર અર્થે ગુજરાતમાં આવતા દર્દીઓની તકલીફ દૂર કરવાનું કામ કર્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગની વિવિધ આરોગ્ય વિષયક સેવાઓના પરિણામે જ ગુજરાતમાં માતા મૃત્યુદર 57 અને બાળમૃત્યુદર 23 એ પહોંચ્યો છે. વર્તમાન સમયમાં બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં જોવા મળતા બિન ચેપી રોગો પર નિયંત્રણ મેળવવા માટે પણ રાજ્ય સરકારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો થી માંડી વિવિધ તબક્કે સ્ક્રીનીંગ થી સારવાર કાર્યક્રમ હાથ ધર્યો છે. જેના અંતર્ગત અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકોનું સ્ક્રીનીંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે રાજ્યના 1.73 કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. 5 લાખ થી વધારીને રૂ. 10 લાખ કરવાનો નિર્ણય ગંભીર અને જટીલ રોગોની સારવાર, સેવામાં કારગત સાબિત થશે.