Vadodara

શહેરના વાસણા જંકશન ઉપર 43 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવર બ્રિજ બનશે

વડોદરા: વડોદરા મહાનગર સેવાસદન શહેરના પશ્ચિમ વિસ્તારમાં 24 મીટરની રોડલાઇન પર વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશન ઉપર 43.42 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાય ઓવરબ્રિજ બાંધશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. બ્રિજના બાંધકામ માટે સરકારે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બ્રિજ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટને સરકારમાં સ્થાયી સમિતિની મંજૂરી બાદ મોકલવામાં આવશે જ્યાંથી મંજૂરી મળતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. આ બ્રિજ 795 મીટર લંબાઈમાં બનશે. પહોળાઈ 11.400 મીટર રહેશે. મનીષા સર્કલ તરફ બ્રિજની લંબાઈ 320 મીટર અને વાસણા (ભાયલી)તરફ લંબાઈ 440 મીટર રહેશે. જ્યારે વાસણા પેટ્રોલ પંપ પાસે જંકશનની લંબાઈ 35 મીટરની છે.

વાસણા ભાયલી તરફ 18 મીટર તથા 7.50 મીટરના ફોર લેન ક્રોસિંગ પર આ સૂચિત બ્રિજ નીચેથી એમ્બ્યુલન્સ, ફોર અને થ્રી વ્હીલર પસાર થઈ શકે તે મુજબ રોડ લેવલથી બ્રિજના ગર્ડરના બોટમ વચ્ચે 3.50 મીટરની જગ્યા મળી રહે તે માટે વાસણા (ભાયલી) તરફ એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે. હાલ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ બ્રિજનો ખર્ચ 39.29 કરોડ છે. 1કરોડનો ખર્ચ પાણી, ડ્રેનેજ, ગેસ, વીજ લાઈન વગેરે ખસેડવાનો થશે. 55 લાખનો ખર્ચ લાઈટના થાંભલા અને સેન્ટ્રલ લાઇટિંગ ખસેડવાનો થશે.

વડોદરામાં અગાઉ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પાસે સર્વે કરાવતા સાત જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં વાસણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ વર્ષ 2025 સુધીમાં બનાવવા ભલામણ કરી હતી. જે 24 મીટરની રોડલાઇન પર બ્રિજ બનવાનો છે ત્યાં સ્થળ સ્થિતિ ચકાસતા આ રોડ મંજૂર ટીપી સ્કીમ નંબર 15 અને 22 ની હદ વચ્ચેનો રોડ છે. આસપાસના ફાઇનલ પ્લોટોના પઝેસન બાદ 22 મીટર રોડ મળી રહેશે. રોડની જગ્યા ટીપી સ્કીમમાં હોવાથી સંપાદનનો પ્રશ્ન ઉભો નહીં થાય તેમ પાલિકા ના અધિકારી ઓનું કહેવું છે.

Most Popular

To Top