કામરેજ: (Kamrej) ઉંભેળ પાસે મોટરસાઈકલ (Motorcycle) સ્લિપ થઈ જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. કડોદરા ખાતે રહેતા અને ટ્રાવેલ્સનો (Travels) ધંધો કરતા બાઈક ચાલકનું મોટરસાઈકલ સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર (Treatment) માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ જતાં મોત નીપજ્યું હતું.
મૂળ રાજસ્થાનના નાગોરના જાઈલના વતની અને હાલ પલસાણાના કડોદરાના મહાદેવનગર શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા ભગવાનસિંગ ગણપતસિંગ શેખાવત (ઉં.વ.42) બે દિવસ અગાઉ કડોદરા ખાતે જગદંબા ટ્રાવેલ્સની ઓફિસથી મિત્રની હિરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ નં.(જીજે 19 એએસ 8531) લઈ રાત્રે વલથાણ કેનાલ રોડ જતા હતા ત્યારે કામરેજના ઉંભેળ ગામની હદમાં હરિપુરા પાટિયા પાસે રાત્રિના 10.45 કલાકે મોટરસાઈકલ સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે ચલથાણની સંજીવની હોસ્પિટલમાં લઈ જતાં મોત નીપજ્યું હતું. જે અંગે મરનારના નાનાભાઈ ભરતસિંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. મરનાર ભગવાનસિંગને બે સંતાન જતિનસિંગ અને રૂષિરાજસિંગ છે.
સાપુતારામાં નાનાપાડા નજીક કાચનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી જતાં અકસ્માત સર્જાયો
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં આહેરડી નાનાપાડા નજીક કાચનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીરામપુરથી કાચનાં બોટલનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક નં. (એમએચ-17-બીડી-5751) જે સાપુતારાથી વઘઇને જોડતાં આંતર રાજય ધોરીમાર્ગનાં આહેરડી નાનાપાડા ગામ નજીક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઈજા પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સાકરપાતળ પી.એચ.સી.ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતનાં બનાવમાં કાચની બોટલનો જથ્થો ફૂટીને વેરવિખેર થઈ જતાં મોટું નુકસાન થયું હતું.