નવી દિલ્હી: સંસદના ત્રીજા દિવસે એટલે બુધવારે ભારે હંગામો બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષ જ્યાં અદાણી મામલે JPCની માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ પણ રાહુલ ગાંધીના નિવેદનનો ભારે વિરોધ કરી રહ્યા હતા. તેથી લોકસભામાં હંગામાના કારણે ગૃહની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓ અદાણી કેસમાં JPCની માંગણી સાથે સંસદથી ED ઑફિસ સુધી કૂચ કરવાના હતા, પરંતુ પોલીસે વિજય ચોક ખાતે તેમને અટકાવ્યા હતા, ત્યારબાદ તેઓ સંસદમાં પાછા ગયા હતા.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષના 16 નેતાઓએ બેઠક યોજી હતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશથી પરત ફર્યા અને એકવાર ફરી અદાણીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે જ સત્ર સ્થગિત થતાં જ વિપક્ષ નેતા ED ઓફિસ ઉપર પ્રદર્શન માટે રવાના થયા હતા, જો કે પોલીસે તેમને પહેલાં જ રોકી દીધા હતા અને તેઓ પાછા સંસદ તરફ ગયા હતા.
મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના 16 નેતાઓની બેઠકમાં અદાણી મામલે JPC માંગ કરવાની ચર્ચા થઈ હતી. આ સિવાય એમ પણ નક્કી થયું છે કે અદાણી મામલે એક ચિઠ્ઠી લખી તેના પર 16 નેતાઓની સહી લેવામાં આવશે. તેને EDને સોંપવામાં આવશે અને તપાસની માગ કરવામાં આવશે. તેના માટે સંસદથી લઇને ED ઓફિસ સુધી ફૂટ માર્ચ કરવામાં આવશે. જો કે પોલીસ 144 ની કલમ લાગૂ કરી આ માર્ચને આગાળ જતા રોકી દીધી હતી.
તમને જણાવી દઈએ કે અદાણી મામલે વિપક્ષના તમામ નેતાઓ એક જૂથ થઈ સરકાર સમક્ષ મોરચો માંડ્યો છે પરંતુ અદાણી મામલે અને ED-CBIની કાર્યવાહીને લઇને મમતા બેનર્જીની પાર્ટી TMCના સાંસદ કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળથી અલગ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ મામલે TMC સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે જણાવ્યું કે સત્તા પક્ષ હોય કે મુખ્ય વિપક્ષી દળ, બંને એકબીજાની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું કે બંગાળમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ અને CPM સાથે મળેલી છે, એટલે આપણે કોંગ્રેસ નેતાઓ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં સામેલ થઈ રહ્યા નથી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે પ્રશ્નકાળ ચલાવવાની સૂચના આપી હતી. દરમિયાન, કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો પોડિયમની નજીક આવ્યા અને અદાણી જૂથ સંબંધિત મુદ્દાની JPC તપાસની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. કેટલાક વિપક્ષી સભ્યોના હાથમાં પ્લેકાર્ડ પણ હતા. બીજી તરફ, શાસક પક્ષના કેટલાક સભ્યોએ પોતપોતાના સ્થાને ઉભા રહીને વિદેશમાં ભારતીય લોકશાહી અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી.
‘આ ગૃહ ચર્ચા અને સંવાદ માટે છે’
હંગામો અને સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને તેમના સ્થાન પર જવા માટે સ્પીકર બિરલાએ વિનંતી કરી અને કહ્યું કે આ ગૃહ ચર્ચા અને સંવાદ માટે છે, નીતિઓ બનાવવા માટે છે. તેમણે કહ્યું, “જો આપણે જન કલ્યાણ કરવા ઈચ્છતા હોઈએ અને ગૃહને લોકશાહીનું મંદિર માનીએ, તો ઓછામાં ઓછું ગૃહ પર ટિપ્પણી ન કરીએ. આ સંસદ લોકશાહીનું મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે. ગૃહની અંદર અને બહાર. ગૃહ સંસદ પર ટિપ્પણી કરવી ક્યારેય યોગ્ય નથી.”
‘જો તેઓ પ્લેકાર્ડ બતાવશે તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ’
લંડનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “ગૃહનો એક સભ્ય વિદેશમાં જઈને સંસદનું અપમાન કરે છે. આ ગંભીર બાબત છે. સખત કાર્યવાહી થવી જોઈએ.” તેમણે કહ્યું કે જો સભ્ય (રાહુલ ગાંધી) માફી નહીં માંગે તો હંગામો મચાવનારા સભ્યોની જવાબદારી નક્કી થવી જોઈએ અને જો આ સભ્યો આ રીતે પ્લેકાર્ડ બતાવશે તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ.
લોકસભા અધ્યક્ષે હંગામો મચાવતા સભ્યોને પૂછ્યું, “શું આ તમારા માટે યોગ્ય છે. તમે શું સંદેશ આપવા માંગો છો. શું સભ્યોનું આ વર્તન યોગ્ય છે.” જ્યારે હંગામો બંધ ન થયો, ત્યારે સ્પીકર બિરલાએ ગૃહની બેઠક શરૂ થયાના લગભગ પાંચ મિનિટ પછી કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.