SURAT

સુરતના પૂણા વિસ્તારમાં શિવજીનું મંદિર તોડી પડાતા માહોલ ગરમાયો

સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં એક શિવજી મંદિરનું પાલિકા દ્વારા ડિમોલીશન કરવામાં આવતા વિવાદ થયો છે. સ્થાનિક લોકો ગુસ્સે ભરાયા છે અને પાલિકાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.

  • શ્રીનાથજી સોસાયટીના ગેટ પાસે સ્થાનિકોએ જાતે જ શિવમંદિર બાંધવાનું શરૂ કર્યું હતું
  • ટીપીના રસ્તા પર મંદિર બંધાતું હોય વરાછા ઝોન દ્વારા તોડી પડાયું
  • સ્થાનિક લોકોએ ડિમોલીશનની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો
  • મહિલાઓએ રસ્તા પર બેસી શિવધૂન કરી નારાજગી વ્યક્ત કરી
  • ગેરકાયદે બાંધકામ હતું એટલે તોડી પડાયું: વરાછા ઝોન

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીના ગેટ પાસે ટીપી નંબર 20માં રસ્તા પર આવતી જગ્યા પર સ્થાનિકો દ્વારા શિવજી મંદિરનું બાંધકામ શરૂ કરાયું હતું. આ જગ્યા પર પહેલાં એક સબ સ્ટેશન હતું. સબસ્ટેશન દૂર કરાયા બાદ ત્યાં ગંદકી થતી હોવાના લીધે સ્થાનિકોએ જાતે સફાઈકરી ત્યાં મંદિર બાંધવાનું શરૂ કર્યું હતું, જેથી અહીં કોઈ ગંદકી ન થાય. આ મંદિરને આજે તોડી પાડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું.

સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે, મંદિર કાયદેસરની જગ્યા પર છે. કોઈ પ્રકારનું દબાણ કરાયું ન હોવા છતાં સુરત મનપાના વરાછા ઝોન દ્વારા કાર્યવાહી કરાઈ છે. મંદિર તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. ગેરકાયદેસર ન હોવા છતાં કેમ મંદિર તોડી પડાયું? તેવા સવાલો સ્થાનિકો દ્વારા પાલિકાના અધિકારીઓને પૂછાયા હતા.

આ મામલે વરાછા ઝોનના સૂત્રોએ જણાવ્યું કે શ્રીનાથજી સોસાયટીના ગેટ પાસે ટીપી નંબર 20 ના રસ્તા પર ગેરકાયદે રીતે મંદિરનું બાંધકામ કરાતું હતું. થોડા દિવસ પહેલાં આ બાંધકામ રોકવા સૂચના અપાઈ હતી. તેમ છતાં તેનું બાંધકામ ચાલુ હતું, તેથી આજે પાલિકાની ટીમ દ્વારા ડિમોલીશન કરી તે તોડી પડાયું છે. ગેરકાયદે હોવાના લીધે જ તે તોડી પડાયું છે.

મહિલાઓએ રસ્તે બેસી શિવધૂન કરી
સુરત પાલિકાની ડિમોલીશન કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકો, મહિલાઓ બધા જ વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહિલાઓ રસ્તા પર પલાંઠી વાળી બેસી ગઈ હતી અને શિવધૂન ગાઈને પોતાનો વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top