સનાતન ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની પરંપરા ચાલી આવેલી છે.સત્યનારાયણની કથામાં શીરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.માતાજીની નવખંડ થાળમાં લાપસી,લાડુ,ખીર,પુરી,રોટલી હોય છે.ગુજરાતનાં વિખ્યાત મંદિરોમાં અલગ અલગ પ્રકારના પ્રસાદનું વિતરણ થાય છે.દ્વારકાધીશ મંદિરમાં ઠોરનો પ્રસાદ વિતરણ થાય છે.તો ડાકોરના રણછોડરાય મંદિરના પ્રસાદમાં લાડુનું મહત્ત્વ છે.સોમનાથના મંદિરમાં ચુરમાના લાડુનો પ્રસાદ આપવામાં આવે છે.વીરપુરમાં જલારામ બાપાના મંદિરે જમવામાં કણી-ગાંઠિયા અને ખીચડી કઢીની પ્રસાદી હોય છે.
સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના મંદિરે સુખડીનો પ્રસાદ વહેંચાય છે.શક્તિપીઠ અંબાજીમાં ૫૦૦ વર્ષથી ‘મોહનથાળ’ નો પ્રસાદ આપવામાં આવે છે.માતાજીના દર્શને જનારાં ભક્તજનો માટે ‘મોહનથાળ’નો પ્રસાદ અમૃત સમાન છે.અંબાજી મંદિર વહીવટી તંત્ર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા ભક્તજનોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે.વર્ષોથી ચાલી આવતી મોહનથાળના પ્રસાદની પરંપરા સત્વરે પુનઃ પ્રારંભ થાય એવી અંબામાતાનાં ભક્તોની લાગણી ધ્યાને લેવી જોઈએ.વ્યાપારમાં ધર્મ હોય.ધર્મમાં વ્યાપાર હોવો જોઈએ નહીં.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
રેલવે પ્લેટફોર્મ
મોટા પ્લેટફોર્મવાળા સ્ટેશનથી જનરલ ડબ્બામાં મધ્યમ વર્ગના મુસાફર, મહિલા, વરિષ્ઠ નાગરિક, દાદા, દાદી જેમની ઉંમર ઘણી હોય તેઓ, આગળ કે પાછળના જનરલ ડબ્બામાં મુસાફરી કરે છે અને મુસાફરી પુરી થતાં, જ્યારે ઊતરે ત્યારે અમુક સ્ટેશન પર આ ડબ્બા પ્લેટફોર્મની બહાર આવે છે અને વૃધ્ધ વડીલોને ઉતરવામાં ઘણી તકલીફ પડે. લગભગ ઊતરી ના શકે તેવી પરિસ્થિતિ થઇ જાય છે. માટે પ્લેટફોર્મ લાંબા કરવા જરૂરી છે. એવાં ઘણાં સ્ટેશન હોય છે સાયણ, અમલસાડ તથા ઘણા સ્ટેશન એટલે શકય હોય ત્યાં પ્લેટફોર્મની લંબાઈ વધારવી જરૂરી છે અને વરિષ્ઠ નાગરિકોને અગાઉની જેમ 40% રાહત ફરી આપવી જોઈએ, કારણ કે રેલ્વે ખોટ કરતી નથી, માટે 60 વર્ષ વાળા કે મોટી ઉંમરનાં હોય તેમને રાહત આપો તો આશીર્વાદરૂપ સાબિત થાય એવી અપેક્ષા રાખીએ છીએ.
વડોદરા – જયંતીભાઈ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.