વલસાડ: (Valsad) વલસાડના ભદેલી જગાલાલા ગામે એક લગ્નમાં (Marriage) ડીજે (DJ) લઇ જનાર યુવાનને જ માર મરાયો હતો. નાચવાના મુદ્દે અંદરોઅંદર લડતા ડીજે ચાલુ બંધ થયું હતુ. જેની અદાવતમાં તેને જ માર મરાયો હતો.
- ભદેલી જગાલાલા ગામમાં નાચવાના મુદ્દે થયેલા ઝઘડામાં ડીજે સંચાલકને ફટકારાયો
- નાચવાના મુદ્દે અંદરોઅંદર લડતા ડીજે ચાલુ બંધ થયું હતુ જેના કારણે લોકોએ ડીજે સંચાલકને જ માર માર્યો
ભદેલી જગાલાલા ગામે રમેશભાઇ નાયકાની પુત્રીના લગ્નમાં સાગર પટેલ (ઉ.વ.21 રહે. વશિયર) તેના મિત્ર કેતન નાયકા (રહે. સેગવી)નું ડિજે લઇ તેની સાથે ગયા હતા. જ્યાં લગ્ન સમારંભના નાચગાનમાં અંદરો અંદર ઝઘડો થયો હતો. જેમાં એક મહિલાએ ડીજે બંધ કરવા કહેતા તેમણે ડીજે બંધ કર્યું હતુ. ત્યારબાદ બીજી મહિલાએ ડીજે ચાલુ કરવા કહેતા ડીજે ચાલુ થયું હતુ. અંદરો અંદરના ઝગડામાં પોલીસ પણ આવી હતી અને મામલો થાળે પડાવ્યો હતો અને તેમણે ડીજે બંધ કરીને રવાના થવા જણાવ્યું હતુ.
ત્યારબાદ પોલીસ જતી રહી હતી અને સાગર અને કેતન ડીજે લઇ પરત થઇ રહ્યા હતા. એ સમયે ભદેલી દેસાઇવાડમાં રહેતા રવિ રમેશ રાઠોડે તેના અન્ય બે સાથીદારો સાથે ડીજે ટેમ્પોને આંતરી તેમાં સવાર સાગરને માર માર્યો હતો. જેના પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સાગરની ફરિયાદ લઇ રવિ અને તેના અજાણ્યા સાથીદારો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મરોલીમાં યુવાનને એસીડીટીને કારણે તબિયત બગડતા મોત
નવસારી : મરોલીમાં યુવાનને એસીડીટીને કારણે તબિયત બગડતા મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મરોલી બજાર મહુવર પ્રગતી નગરમાં વિરલભાઈ શંકરભાઈ ટંડેલ (ઉ.વ. 32) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 12મીએ વિરલભાઈને એસીડીટી થતા તેની તબિયત બગડી હતી. જેથી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે મરોલી સરકારી દવાખાનામાં ખસેડયો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ નવસારીની ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ હિતેશે મરોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.પી. સોલંકીએ હાથ ધરી છે.