SURAT

સિક્યુરિટી સુપરવાઈઝરના ઘરમાં આવો ધંધો કરનાર પાંડેસરાની મિલના માલિકની ધરપકડ

સુરતઃ પાંડેસરા ખાતે પકડાયેલા યુરીયા ખાતરનો ગેરકાયદે ઉપયોગ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપતા 5 જ દિવસમાં મુખ્ય આરોપી મિલ માલિક અને કોલસા ટ્રેડર્સને ઝડપી લેવામાં આવ્યા છે.

  • પાંડેસરા રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના માલીક અને કોલસા ટ્રેડર્સની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાંચ
  • ખેતીમાં વપરાતું સબસીડી યુકત નીમ કોટેડ યુરીયા ખાતરનો ગેરકાયદેસર વપરાશ કરતા હતા

સુરત ખેતી અધિકારી તરીકે વિશાલકુમાર રમેશભાઇ કોરાટ તથા પોલીસ ટીમે ગત ૬ ફેબ્રુઆરીએ પાંડેસરા ખાતે જય અંબે નગર સોસાયટીમાં પ્લોટ નંબર 456માં સત્યેન્દ્રસિંહ રાજેશસિંહ બલરામસિંહ રાજપુતના મકાનમાં રેઈડ કરી હતી. જ્યાં સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીમાં વપરાશ કરવાના બદલે અન્ય ઔદ્યોગિક વપરાશના હેતુ માટે સંગ્રહ કરી રાખી હતી. જ્યાંથી અંદાજે 50 કિ.ગ્રા ભરતીવાળી 52 થેલી મળી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં 19 ફેબ્રુઆરીએ આરોપી સત્યેન્દ્રસિંહ રાજેશસિંહ બલરામસિંહ રાજપુત (ઉ.વ.૩૩) નો તથા ૪ માર્ચે રીયાઝ ઇબ્રાહિમભાઇ ઇસ્માઇલભાઇ વ્હોરા (ઉ.વ.૩૬) ની ધરપકડ કરાઈ હતી.

પકડાયેલા આરોપી સત્યેન્દ્રસિંહ રાજપુતે ગેરકાયદેસર યુરીયાનો જથ્થો પાંડેસરાના કુંદન મિશ્રા નામના વ્યકિત પાસેથી મેળવ્યો હતો. જેની શોધખોળ કરતા આવી કોઈ વ્યક્તિ મળી આવી નહોતી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપતા ક્રાઈમ બ્રાંચે તપાસ ફરીવાર શરૂ કરી પકડાયેલા આરોપી સત્યેન્દ્રસીંહ રાજપુતની ઉંડાણપુર્વક તપાસ કરી હતી. જોમા તેના મોબાઇલ નંબરની માહિતી મંગાવી એનાલીસીસ કરાઈ હતી. દરમિયાન આરોપી મીલ માલીક સોનું મહેશચંન્દ્ર અગ્રવાલ (ઉ.વ.૩૬, રહે. સેલીબ્રીટીગ્રીન, વેસુ તથા ઇસ્કોન પ્લેટીનમ, બોપલ, અમદાવાદ તથા મુળ જીલ્લા.કરોલી રાજસ્થાન) અને કોલસાના વેપારી કુંદન દિનેશભાઇ મિશ્રા (ઉ.વ.૨૬, રહે. બી/૭૦૧, સીલીકોન પાર્મ, ડીંડોલી તથા મુળ જીલ્લો.જોનપુર ઉત્તર પ્રદેશ) ને પકડી પાડ્યા હતા.

પોલીસ કમિશ્નરે ડીસીબીને તપાસ સોંપ્યાના 5 દિવસમાં આરોપી ઝડપાયો
આ ગુનામાં પડદા પાછળ ગુનાહિત ભુમિકા ભજવનારને શોધી કાઢી ગુનાના મુળ સુધી પહોચી સબસીડીયુકત યુરીયા ખાતરને ઔદ્યોગિક એકમમાં ઉપયોગમાં લેવાતા રાજયવ્યાપી કૌભાંડ પકડી પાડવા પોલીસ કમિશ્નરે સીટની રચના કરી હતી. અને ૯ માર્ચે આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અને તપાસના 5 જ દિવસનાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મિલ માલિકે સિકયુરિટી સુપરવાઇઝરના ઘરને ગોડાઉન બનાવી દીધુંં
આરોપી રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટ મિલમાં સિકયુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. અને તેના માલિક સોનું અગ્રવાલ પોતાની મિલમાં ઔદ્યોગિક એકમમાં વાપરાશ કરવામાં આવતું યુરીયા ખાતરની જગ્યાએ ખેતીના ઉપયોગી સરકારી સબસીડીવાળું નીમ કોટેડ યુરીયા ખાતર મેળવતો હતો અને ખેતીની જગ્યાએ આ યુરીયા ખાતરનો વપરાશ ઔદ્યોગિક હેતુ માટે કરતો હતો.

સપ્ટેમ્બર 2022માં ખેતીવાડી ખાતાના અધિકારીઓએ રેઇડ કરી ખાતર પકડી પાડ્યું હતું. પોતાના ઔદ્યોગિક એકમમાં ગેરકાયદેસર સબસીડીયુકત યુરીયા ખાતરનો વપરાશ કરવાના હેતુથી તેના સિકયુરિટી સુપરવાઇઝર સત્યેન્દ્રપાલના રહેણાંક મકાનની આગળ ખાલી જગ્યાને ગોડાઉન બનાવી દીધું હતું. અને ત્યાં ગેરકાયદેસર યુરીયા ખાતરની ગુણોનો સંગ્રહ કરાવતો હતો.

કોલસા વેપારી પાસે યુરીયા ખાતરના જથ્થાના ખોટા બીલો બનાવતો
રાધે રાધે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના માલિક સોનું અગ્રવાલે આ ગેરકાયદેસરનો યુરીયા ખાતરનો માલ કાયદેસર રીતે બિલમાં મંગાવ્યો હોવાનું પ્રસ્થાપિત કરવા સોનું અગ્રવાલને કોલસાનો માલ પુરો પાડતા કુંદન મિશ્રા નામના વ્યકિત પાસેથી યુરીયા ખાતરના જથ્થાના ખોટા બિલો બનાવતો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top