દિલ્હી: (Delhi) દિલ્હી મહિલા આયોગના (Commission for Women) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે (Swati Malival) શનિવારે એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે જ્યારે તે બાળક હતી ત્યારે તેના પિતા દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. માલીવાલે જણાવ્યું કે જ્યારે તે માત્ર ચાર વર્ષની હતી ત્યારે તે તેના પિતાના હાથે યૌન શોષણનો (Abuse) શિકાર બની હતી. મહિલા આયોગ દ્વારા આયોજિત એક એવોર્ડ (Award) ફંક્શનમાં ભાગ લેતા સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે આ ઇવેન્ટે તેમને પ્રેરિત કર્યા કારણ કે મહિલા પુરસ્કાર વિજેતાઓના સંઘર્ષની વાર્તાઓ તેમને તેમના પોતાના સંઘર્ષની યાદ અપાવે છે.
પિતા ઘરે આવવાના હોય ત્યારે બહુ બીક લાગતી
સ્વાતિ માલીવાલ પોતાનું બાળપણ યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેના પિતા દ્વારા તેનું શોષણ કરવામાં આવતુ હતું. માલીવાલે કહ્યું કે મારા પિતા મને ખૂબ મારતા હતા. જ્યારે તેઓ ઘરે આવતા હતા, ત્યારે હું પલંગની નીચે સંતાઈ જતી હતી, હું ખૂબ જ ડરી જતી હતી. પિતા ઘરે આવવાના હોય ત્યારે મને બહુ બીક લાગતી હતી. તે સમયે હું આખી રાત આ વિચારમાં પસાર કરતી હતી કે આવા અત્યાચારો સામે મહિલાઓને કેવી રીતે સશક્ત બનાવી શકાય. માલીવાલે કહ્યું કે તે મારા વાળ પકડીને મારું માથું દીવાલ સાથે અથડાવતા હતા. પરંતુ હું માનું છું કે આ ઘટનાએ મારામાં મહિલાઓના કલ્યાણ માટે કામ કરવાનો દ્રઢ સંકલ્પ જગાવ્યો. સ્વાતિ માલીવાલે કહ્યું કે તે ચોથા ધોરણ સુધી તેના પિતા સાથે રહી હતી.
જણાવી દઈએ કે વર્ષ 2015માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી તરત જ સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ બન્યા હતા. બાદમાં તેમની મુદત લંબાવવામાં આવી હતી. ડીસીડબ્લ્યુનું નેતૃત્વ કરતા પહેલા તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર તરીકે કામ કરતા હતા. સ્વાતિ માલીવાલે હરિયાણાના પૂર્વ AAP પ્રમુખ નવીન જયહિંદ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ હોવાની સાથે માલીવાલ સોશિયલ મીડિયા પર મહિલાઓ પર થતા અત્યાચારના મામલા સામે અવાજ ઉઠાવે છે. જાન્યુઆરીમાં દિલ્હીમાં મહિલાઓ સામેના અપરાધોને પગલે માલીવાલે રાત્રે દિલ્હીમાં સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરવાનો દાવો કર્યો હતો જ્યારે દારૂના નશામાં કેબ ડ્રાઈવરે કારની બારીમાં તેનો હાથ બંધ કરીને તેને કેટલાક મીટર સુધી ઢસડી હતી.