ગાંધીનગર: શ્રમ કાયદાનો (Labor Laws) ભંગ કરનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમયોગીને કાયદાનું માર્ગદર્શન મળી રહે તે માટે ૧૫૩૭૨ નંબરથી હેલ્પલાઇન (Helpline) પણ શરૂ કરવામાં આવી છે, તેવું ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાઓનો ભંગ થયા અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે તા. ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં ૧૯ ફરિયાદો મળી હતી. જેમાં શ્રમ આયુક્ત દ્વારા એક ફરિયાદમાં અરજદારને રૂપિયા ૩૩૦૦ બાકી મજૂરીના નાણાની ચૂકવણી તથા એક અરજદારને ગ્રેજ્યુઇટીના ૧,૯૨,૧૧૫ની ચુકવણી, એક ફરિયાદમાં લેબર કોર્ટમાં રિકવરીની અરજી દાખલ કરવામાં આવી છે, તેમ જ એક ફરિયાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલા છે.
શ્રમયોગીઓ ટેલીફોનિક ફરિયાદ કરી શકે તે માટે ૧૫૩૭૨ હેલ્પલાઇન તા.૨૧/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૩૨૫ કોલ આ હેલ્પલાઇનથી આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શ્રમ કાયદા હેઠળ ૨૯૭ એકમો સામે કાર્યવાહી કરી ૫૬ સામે કોર્ટ કેસ કરવામાં આવ્યા છે.