SURAT

ખેડૂતો સાવચેત રહેજો : 13મી માર્ચે ફરી માવઠાની આગાહી

સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ સુરત (Surat) જિલ્લામાં ૧૩મી માર્ચના રોજ કમોસમી વરસાદ (Rain) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદથી ખેડૂતોનો (Farmer) પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે. ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતા અટકાવવું.

જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો. એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતોએ અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા. શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી.માં ખેતપેદાશોને વેચાણ અર્થે લઇ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી. ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહીં તેવી કાળજી રાખવી. વધુ જાણકારી માટે સ્થાનિક વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કૃષિ અધિકારીઓનો સંપર્ક કરવો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હેઠળ રાજ્યના 18 જિલ્લામાં માવઠા થશે
ગાંધીનગર: ગુજરાતમાં ફરીથી હવામાન વિભાગે આગામી તા.13, 14 અને 15મી માર્ચ દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી માવઠુ થશે તેવી ચેતવણી આપી છે. જેમાં ખાસ કરીને રાજયમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ ,દાહોદ, મહેસાણા, છોટાઉદેપુર અને અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, કચ્છ સહિત 18 જિલ્લાઓમાં માવડું પડશે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન ગરમીમાં 2થી3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

તાજેતરમાં સૌરાષ્ટ્રમાં માવઠુ થયું છે, જેના પગલે ખેડૂતોના ઘઉં, ચણા, કેરી, જીરૂ સહિતના પાકને નુકશાન થયું છે. જેના નુકસાનીનો સર્વે પણ સરકારના કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાશે. રાજયમાં આજે ભૂજ, નલિયા અને કેશોદ સહિતના શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો હતો. જયારે નલિયામાં 15 ડિગ્રી લધુત્તમ તાપમાન પહોચ્યુ હતું. ફેબ્રુઆરીના આરંભથી ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 37 ડિ.સે., ગાંધીનગરમાં 35 ડિ.સે., ડીસામાં 34 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 38 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 36 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે.,રાજકોટમાં 37 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 37 ડિ.સે. અને કેશોદમાં 38 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જયારે રાજયમાં નલિયામાં 15 ડિ.સે., ઠંડી – એટલે કે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top