Dakshin Gujarat

સુરતના દંપતિને મિત્રતાના નામે રુપિયા આપવાનું ભારે પડ્યું

ભરૂચ: વાલિયાની હરિનગર સોસાયટીના એક વ્યક્તિને સુરત (Surat) અડાજણના મિત્રએ કહ્યું કે, તમે મને રોકાણમાં (Invest) રૂપિયા આપો તો હું સ્ક્રેપનો ધંધો કરીને નફો થશે એ તમામ રૂપિયા (Money) પરત કરી આપીશ. આથી વાલિયાની વ્યક્તિએ માર્ચ-૨૦૨૧માં ત્રણ વખત એકાઉન્ટ (Account) દ્વારા RTGSથી રૂ.૪૨ લાખ આપ્યા હતા. નક્કી થયેલા સમયે પૈસા પરત ન આવતાં અને પૈસા નહીં મળે અને હવે પૈસાની માંગણી કરીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપતાં અડાજણનાં દંપતી વિરુદ્ધ વાલિયા પોલીસમથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વાલિયાના હરિનગરમાં રહેતા ૪૫ વર્ષીય તખતસિંહ ફતેસિંહ ડોડિયા જંબુસરમાં સિંઘવ ગામે ખેતી કરે છે. તેમની પત્ની જિગ્નાશાબેન સુરત કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોવાથી સુરતના ઉત્રાણ ગામમાં રહે છે. સુરતના રાંદેરમાં રહેતા મિત્ર જિગ્નેશભાઈ પટેલને લઈ ૨૦૧૮માં આશિષભાઈ અરવિંદભાઈ શાહ (રહે., ૨૦૪, વેસ્ટર્ન એલ.પી.સવાણી રોડ, અડાજણ સુરત) સાથે ઓળખ થઇ હતી. આશિષભાઈ સ્ક્રેપનો ધંધો કરતા હોવાથી ૨૦૨૦ સુધી રૂપિયા ઉછીના લેવડદેવડ થતી હતી. જાન્યુઆરી-૨૦૨૧માં આશિષભાઈ શાહને પૈસાની જરૂર પડતાં તખતસિંહને જણાવ્યું હતું કે, તમે મને રૂપિયા રોકાણ માટે આપો. હું સ્ક્રેપના ધંધામાં નફો થાય એટલે રૂપિયા પરત આપી દઈશ. આથી જંબુસરની સિંધવ જમીન પર લોન લઈ વાલિયા એક્સિસ બેંકમાંથી તા.૯/૩/૨૦૨૧ના રોજ રૂ.૧૫,૦૦,૦૦૦ અને રૂ.૧૨,૦૦,૦૦૦ તેમજ તા.૩૧/૩/૨૦૨૧ના રોજ રૂ.૧૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૪૨ લાખ RTGS તેમની પત્ની રિદ્ધિબેન આશિષભાઈ શાહના શ્રી વાસુ પૂજા એન્ટરપ્રાઈઝ સુરતના એકાઉન્ટમાં નાંખ્યા હતા. જે માટે IDFC બેન્કના બે ચેક અને પ્રોમેસરી નોટ લખાવી તા.૩૧/૧૧/૨૦૨૧ સુધીમાં રકમ પરત કરી દેવાનું જણાવ્યું હતું. અને ચેક બેંક વટાવવાની ના પડી હતી. તેમ છતાં તા.૩૦/૧/૨૦૨૨ના રોજ રૂ.૮ લાખનો ચેક તખતસિંહને આપી બાકીની રકમ ત્રણ મહિનામાં ચૂકતે કરવાની બાંયધરી આપી હતી. તા.૩/૨/૨૦૨૨ના રોજ વટાવવા નાંખી દીધો હોવા છતાં તા.૪/૨/૨૦૨૨ના રોજ ચેક રિટર્ન થયો હતો.

આ અગાઉ પણ રૂ.૩ લાખ અને રૂ.૪ લાખનો ચેક પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૧માં રિટર્ન થઇ ગયાં હતાં. આશિષભાઈ અને તેની પત્નીને ટેલીફોન પર જાણ કરતાં તેઓ જણાવતાં હતાં કે, પૂરતું બેલેન્સ આવે એટલે ફરથી ચેક વટાવવા માટે નાંખજો. આખરે અપશબ્દો સાથે એવી ધમકી આપી હતી કે, તમારી રકમ હું પરત કરવાનો નથી. તમારાથી થાય એ કરી લેજો અને જ્યાં ફરિયાદ કે કેસો કરવાના હોય ત્યાં કરી લેજો. હું બધું જોઈ લઈશ અને મારી પાસે રૂપિયાની ઉઘરાણી કરવા આવશો કે ફોન પણ કરશો તો જાનથી મારી નાંખીશ. આ બાબતે તખતસિંહ ડોડિયાએ વાલિયા પોલીસમથકમાં ફરિયાદ આપતાં આશિષભાઈ શાહ અને પત્ની રિદ્ધિબેન શાહ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top