ખાનપુર : મહિસાગર જિલ્લામાં હોળી અને ધૂળેટી દરમિયાન ડૂબવાની ઘટના બનતી હોવાથી તંત્રએ જિલ્લાની તમામ નદીપટ્ટ અને તળાવોમાં ત્રણ દિવસ સુધી ન્હાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહનો કે મુસાફરો રંગ ન છાટવા પણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર પુલ નજીક આવેલી મહીસાગર નદી કિનારે, લુણાવાડા તાલુકામાં આવેલા પાનમ ડેમ નદી કિનારે, દેગમડા નજીક મહીસાગર નદી કિનારે, હાડોડ પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા આગરવાડા પુલ નજીક મહીસાગર નદીકિનારે, તથા મહીસાગર જિલ્લામાં આવેલા અન્ય તળાવો-જળાશયો વિગેરે જગ્યાએ નાહવા માટે હોળી-ધૂળેટીના દિવસોએ મોટી સંખ્યામાં લોકોનો ધસારો રહે છે. રંગોના ઉત્સવમાં ઉત્સાહના અતિરેકમાં ઘણી વખત દૂર સુધી નાહવા માટે જતા રહેવાથી ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. આથી ઉકત સ્થળોએ ડૂબી જવાની અનેક ઘટનાઓ બનતી હોવાથી 8મી માર્ચ સુધી મહીસાગર જિલ્લામાં આવેલા તમામ નદીપટ્ટ તથા તળાવ કિનારે ન્હવા તથા અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 8મી માર્ચ,23 સુધી કોઇપણ શખ્સ જાહેર જગ્યાએ અવર-જવર કરતા રાહદારીઓ, વ્યક્તિઓ ઉપર કે મકાનો તથા મિલ્કતો ઉપર તથા વાહનો ધ્વારા અવર-જવર કરતા મુસાફરો, વ્યક્તિઓ કે વાહનો ઉપર કાદવ, કિચડ, રંગમિશ્રિત પાણી, રસાયણ યુક્ત પ્રવાહી કે અન્ય શારીરિક નુકશાન થાય તેવી બીજી કોઇપણ વસ્તુ/પદાર્થ નાખવા, નંખાવવા અને હોળી-ધુળેટીના નામે ફંડ ફાળો કે કોઇપણ પ્રકારના નાણાં ઉઘરાવવા, અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર માર્ગ ઉપર અવર- જવર કરતા રાહદારીઓના વાહનો રોકવા, કે તેઓને અડચણ પડે તેવા કોઇપણ કૃત્યો આચરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યુ છે.