સુરત: વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ઊભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર વરાછા ઝોન ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. આથી લોકોને ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી નર્કાગાર સ્થિતિ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વરાછા ઝોનમાં પુણા ગામના નાગરિકોને છેલ્લા એક સપ્તાહથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં ગટરિયા પૂરને પગલે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોની રજૂઆત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગટરિયા પૂરના કારણે મચ્છર સહિત દુર્ગંધની સમસ્યાને કારણે ક્રિષ્નાનગર સોસાયટીના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર સાબિત થઈ રહ્યું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતાં લોકો રોષે ભરાયા છે.
વર્કશોપના વિભાગીય વડા ખતવાણી અને કાર્યપાલક ઇજનેર રોહિત પટેલને શો-કોઝ નોટિસ
સુરત: સુરત મહાનગર પાલિકાના વર્કશોપ વિભાગના વડા કે.એચ.ખતવાણી તેમજ કાર્યપાલક ઇજનેર રોહિત પટેલે જેસીબી મશીનની ખરીદી માટેની પ્રક્રિયામાં મનપા કમિશનરને કરેલા રિપોર્ટમાં ચૂક જણાતાં બંનેને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યપાલક ઇજનેર રોહિત પટેલે ગોઠવેલાં પાસાંમાં વિભાગીય વડા તરીકે કે.એચ.ખતવાણી પણ આંટીમાં આવી ગયા હોવાની ચર્ચા છે.
મળતી વિગતો અનુસાર વર્ષ-2021માં સુરત મનપાના હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં પાણી-ગટર, રસ્તા સહિતની સુવિધાનાં કામો ઝડપથી હાથ ધરાય એ માટે જરૂરી વાહનોની ખરીદી અંગે જરૂરિયાત નક્કી કરવા વ્હીકલ ડિમાન્ડ કમિટીની રચના તત્કાલીન કમિશનર બંછાનીધી પાનીએ કરી હતી, જેમાં પૂર્વ ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયક, વર્કશોપના વડા એડિશનલ સિટી ઇજનેર કે.એચ.ખતવાણી અને પૂર્વ કાર્યપાલક ઇજનેર ઇ.એચ.પઠાનનો સમાવેશ કરાયો હતો. આ કમિટી દ્વારા ૪૮ અર્થમુવિંગ મશીન ખરીદવાનું સૂચન કરાયું હતું. જેથી વર્કશોપ વિભાગે ટેન્ડર ઇસ્યુ કરી ઓફરો મંગાવી હતી. જો કે, અપલોડ કરી ઓફર મંગાવી હતી. તેમાં ચોક્કસ એજન્સીને જ ફાયદો થાય તેવી રીતે ટેન્ડર બનાવવાનો ખેલ થયો હોય, અન્ય કંપનીઓએ ચોક્કસ કંપની પાસેથી અર્થમુવિંગ મશીન નહીં ખરીદવાને બદલે અન્ય કંપનીઓ પણ ટેન્ડરમાં ભાગ લઇ શકે તેવું કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. દરમિયાન કમિશનરે આ મુદ્દે વર્કશોપના અધિકારીઓને ચર્ચા બાદ નિર્ણય લેવાનું જણાવ્યું હતું. જેસીબી મશીન ખરીદવાની કામગીરી ટલ્લે ચઢતાં વર્કશોપ વિભાગે બે એજન્સીની રજૂઆત દફ્તરે કરવા માટે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જો કે, વર્કશોપ વિભાગ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં સાચી માહિતી રજૂ કરવામાં આવી ન હતી. આ સાથે ગોળગોળ રિપોર્ટ રજૂ કરી મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો. આથી કમિશનરે વિજિલન્સ તપાસ મૂકી હતી, જેમાં ભોપાળું બહાર આવ્યાનું મનાઇ રહ્યું છે. કેમ કે, ટેન્ડરમાં ચોક્કસ એજન્સીને જ લાભ થાય એ રીતે વિભાગે અંદાજે ૫૦ કરોડના ખર્ચે ૪૮ અર્થમુવિંગ મશીન (જેસીબી) ખરીદવાની તજવીજ હાથ ધરી હતી.