Vadodara

મશીનમાં વેલા ક્રશ કરાશે, માવામાંથી કાગળ તૈયાર કરી નોટબુક બનાવાશે

વડોદરા : વડોદરા શહેરના વિવિધ તળાવમાં જંગલી વનસ્પતિનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને તેનો નિકાલ કેવી રીતે કરવો તે પ્રશ્ન માથાના દુખાવા સમાન થયો છે. શહેરના સમા તળાવ, ગોત્રી, લાલબાગ, કાશીવિશ્વનાથ સહિતના તળાવોમાં જંગલી વનસ્પતિના ઉપદ્રવના કારણે વનસ્પતિથી છવાઈ ગયા છે. વડોદરાનું સમા તળાવ જંગલી વનસ્પતિથી ભરાઈ જતા વીડકટર મશીનથી વનસ્પતિ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં તળાવ ફરી પાછું ભરાઈ ગયું હતું. દરમિયાન પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેને સમા તળાવની મુલાકાત લીધી હતી.અને કોર્પોરેટરો તેમજ પાલિકાના એન્જિનિયરો સાથે તળાવની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે તળાવમાંથી વેલા કાઢીને ડેવલોપમેન્ટ માટે વિચાર્યું છે. તળાવમાં એરેશન રહે તે માટે પંપીંગ માટે ડીજી સેટ મૂક્યો છે. નદી તરફ ઓવર ફ્લો ચેનલનો પાળો તોડી પાણી બહાર કાઢતા પાણીનું હાલનું લેવલ નીચે લાવતા આજુબાજુ માંથી ગંદુ પાણી ક્યાંથી આવે છે તેને શોધી શકાશે અને જ્યાંથી ગંદુ પાણી આવે છે તે બંધ કરવામાં આવશે. હાલ તળાવમાં વીડકટર મશીન મૂક્યું છે અને જંગલી વેલા કાપવાની શરૂઆત કરી છે.જે કાપીને દુમાડ નજીક મોકલવાનું શરૂ કર્યું છે. જ્યાં પ્લાસ્ટિક સહિતના કચરામાંથી બાકડા અને પેવર બ્લોક બનાવી એક તજજ્ઞ દ્વારા ઈનોવેટિવ કામગીરી કરવામાં આવે છે. ત્યાં આ વેલામાંથી પણ કાગળ બનાવ્યા બાદ તેમાંથી નોટબુક બનાવવામાં આવનાર છે.

મશીનમાં વેલા પ્રોસેસ કરીને તેના માવામાંથી કાગળ તૈયાર કરી નોટબુક બનાવવામાં આવે છે. ભવિષ્યમાં પાલિકા તેની પડતર જમીનમાં આ બધા વેલા એકત્રિત કરી જરૂર પડે વેલામાંથી નોટબુક બનાવવા મશીન પણ વસાવી લેશે. હાલ આ કામગીરી પ્રાયોગિક ધોરણે છે. અને જો તેમાં સફળ થવાય તો જંગલી વેલાનો ઉપદ્રવ નિવારી શકાશે અને વેલા કાપ્યા બાદ તેનો ક્યાં નિકાલ કરવો તે પ્રશ્ન પણ ઉકેલી શકાશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top