નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમના મેળાનો માહોલ જામી ચુક્યો છે. ત્યારે રવિવારના રોજ એક લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાવના દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ઉજવાતી દરેક પુનમો પૈકી ફાગણી પુનમે ઠાકોરજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. તેથી જ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. જે અંતર્ગત હાલ, ડાકોરમાં ફાગણી પુનમના મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે. તેની સાથે જ ડાકોરમાં શ્રધ્ધાળુઓ અને પદયાત્રીકોનું આગમન પણ શરૂ થઈ ગયું છે. રવિવારે ફાગણ સુદ તેરસના દિવસે જ એક લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓ ડાકોર ખાતે ઉમટી પડ્યાં હતાં. વહેલી સવારે મંગળા આરતીથી લઈ મોડી સાંજે મંદિર બંધ થતાં સુધી શ્રધ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમના મેળાને અનુલક્ષીને પોલીસતંત્ર દ્વારા 1 રેન્જ આઈ.જી, 1 એસ.પી, 12 નાયબ પોલીસ અધિક્ષક, 35 પી.આઈ, 115 પી.એસ.આઈ, 657 કોન્સ્ટેબલ, 267 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 662 હોમગાર્ડ જવાન, 182 ગ્રામરક્ષક દળના જવાનો, 198 એસ.આર.પી જવાનો મળી કુલ બે હજાર કરતાં વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેળામાં આવતાં શ્રધ્ધાળુઓની સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે હાલ, આ તમામ પોલીસ જવાનો પોતાને સોંપેલી ફરજ પર તૈનાત થઈ ગયાં છે.
આડબંધને પગલે શ્રધ્ધાળુઓ તેમજ નગરજનોને હાલાકી
ફાગણી પુનમના મેળાને અનુલક્ષીને તંત્ર દ્વારા શનિવારે રાતથી જ નગરમાં વિવિધ ઠેકાણે આડબંધ તેમજ પતરાં લગાવી રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. જેને પગલે રવિવારે દર્શનાર્થે આવેલાં શ્રધ્ધાળુઓ અટવાયાં હતાં. જેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા એક-એક પતરૂ ખોલી શ્રધ્ધાળુઓને અવરજવર માટે થોડી જગ્યા કરી આપવામાં આવી હતી. પરંતુ, સાંકડી જગ્યામાંથી અવરજવર માટે સામસામે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકત્રિત થઈ જતાં ધક્કામુક્કી જેવા દ્દશ્યો સર્જાયા હતાં. મંદિરની નજીક જ પતરાં મારી રસ્તો બંધ કરી દેવામાં આવતો હોવાથી પદયાત્રીકોને દોઢ થી બે કિલોમીટર જેટલું વધારે ચાલવું પડે છે. જેને પગલે તંત્ર પરત્વે પદયાત્રિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો વળી બીજી બાજુ નગરજનોને પણ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા તેમજ નોકરી-ધંધાએ જવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
જય રણછોડ…ના જયનાદ સાથે લાખો પદયાત્રિકોની આગેકુચ
ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં મંગળવારે ફાગણી પુનમ ઉજવવામાં આવશે. વિશેષ મહત્વ ધરાવતાં ફાગણી પુનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવાની તાલાવેલી સાથે લાખો શ્રધ્ધાળુઓ દૂર-દૂરથી પદયાત્રા કરી ડાકોર આવી રહ્યાં છે. જે પૈકી મોટાભાગના પદયાત્રિકો ડાકોર નજીક પહોંચી ચુક્યાં છે. જેને પગલે ડાકોરને જોડતાં માર્ગો પદયાત્રિકોથી ભરચક બન્યાં છે. માર્ગો પર જ્યાં નજર જાય ત્યાં માત્રને માત્ર પદયાત્રિકો જ દેખાય છે. ડાકોરને જોડતાં માર્ગો જય રણછોડ….માખણચોર ના જયનાદથી ગુંજી ઉઠ્યાં છે.
મંદિરમાં દાદીથી વિખુટી પડેલી બાળકીને પોલીસે મિલન કરાવ્યું
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળા અંતર્ગત જામેલી શ્રધ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે એક બાળકી તેના દાદીથી વિખુટી પડી ગઈ હતી. જોકે, પોલીસે સીસીટીવીની મદદથતી ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધી કાઢી, તેના દાદીને સોંપી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમના મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે, રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેમજ પદયાત્રીકો ડાકોર પહોંચી રહ્યાં છે. જે અંતર્ગત રવિવારના રોજ અમદાવાદના 65 વર્ષીય વૃધ્ધા પણ પોતાની 14 વર્ષીય પૌત્રી સાથે શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે ડાકોર પહોંચ્યા હતાં. પદયાત્રા કરી આવેલાં આ દાદી અને પૌત્રી મંદિરમાં દર્શન કર્યા બાદ ભીડમાં વિખુટા પડી ગયાં હતાં. આ અંગેની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ વિખુટી પડેલી બાળકીને શોધવાના કામે લાગી હતી. હજારો ભક્તોની ભીડ વચ્ચે બાળકીને શોધવું ખુબ જ કઠિન હતું. જોકે, પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધીને તેના દાદીને સોંપી હતી. જે બદલ વૃધ્ધ દાદીએ પોલીસતંત્રનો આભાર માન્યો હતો.