બીજા વિશ્વયુધ્ધ પછી વિનાશનો ભય વધતો જ જાય છે. માનવસમાજ આમ તો વિકાસની દિશામાં ખૂબ આગળ છે, પણ જ્યાં સુધી તેના દિલોદિમાગમાં સત્ય, પ્રેમ અને અહિંસા જામશે નહીં અને યુદ્ધખોર માનસિકતા, ભૂમિ સ્વાર્થ, આર્થિક લુચ્ચાઈ દૂર નહીં થાય ત્યાં સુધી દુનિયા પૂર્ણરૂપે સુરક્ષિત નથી અને વિનાશક શસ્ત્રોનું નિર્માણ થતું રહેશે. અણુ-પરમાણુ બોમ્બ, હવાઈ હુમલા ઉપરાંત જીવલેણ રોગોનો પ્રસાર જેવો વિનાશનો ભય માથે રહેશે. પ્રજા ભલે ભૂખમરો, કંગાલિયત વેઠે, પણ અબજો રૂપિયા લશ્કરી સાધન-સરંજામ માટે ફાળવાતાં રહેશે. માત્ર આઠ મિલીમીટરની એક રેડિયો એકટીવ એટલે જ કિરણોત્સર્ગી કેપ્સ્યુલ ખોવાઈ જતાં સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશમાં ખળભળાટ હાલમાં જ મચી ગયો હતો.
જે કેપ્સ્યુલને આમ તો અત્યંત કાળજી સાથે, જબરદસ્ત પેકીંગ કરીને ટ્રકમાં લોડ કરવામાં આવી હતી, છતાં કાંઈક ચૂક થઈ જતાં દિવસો સુધી ગાયબ રહી હતી, ત્યાંની ન્યૂકિલ્યર એજન્સી સહિત તમામ સરકારી જવાબદાર એજન્સીઓ તેને શોધવામાં રાત દિવસ કામે લાગી અને શોધી કાઢવામાં સફળતા મેળવી. ગંભીરતાથી લાંબું સર્ચ ઓપરેશન કરવા માટે વિનાશનો ભય રહ્યો હતો, જેને જડે તો તેનાથી પાંચ મીટર દૂર રહીને જરા પણ સ્પર્શ કર્યા વિના ઈમરજન્સી વિભાગને કોલ કરવા જણાવ્યું હતું, તે સાથે હોસ્પીટલમાં પહોંચી જઈ ડોકટરને સંપૂર્ણ માહિતી આપવા સાથે જરૂરી સારવાર પણ કરાવી લેવા જણાવ્યું હતું. તેને માત્ર સ્પર્શ કરવાથી ગંભીર બિમારી થઈ શકે તેમ હતું, વળી તેની અસર ત્રણસો વર્ષ સુધી રહી શકે છે. દુનિયાના દેશો સંરક્ષણને નામે આવો મોતનો મસાલો ધરાવે છે. ત્રીજા વિશ્વયુદ્ધ અનુભવી શકો તો કલ્પના માત્રથી દર્શાવાય છે. વિજ્ઞાન વિનાશ સર્જે છે. કુદરતનું સૌંદર્ય દર્શાવતાં દૃશ્યો, હરિયાળી અને તારાઓથી ઝળહળતું આકાશ વગેરેનો પ્રાકૃતિક આનંદ વારસો થતો જાય છે અદૃશ્ય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અછોડા તૂટયા
મોટાઈ મારવા ચાર પાંચ તોલાના અછોડા પહેરી મહાલવા નીકળે અને પછી ઝાપટ માર્યા બાદ, અછોડો ચોરાયા બાદ, પોલીસને કહે, ‘હવે તમે ચોરને પકડો’. આજના સમયમાં ખોટી મોટાઈ મારવાનું છોડો. તમારા ગળામાં ચોર સિવાય કોઈને જોવાની પડી નથી. અરે, હવે લગ્નમાં પણ તમારી સાડી અને મેકપ જોવાવાળા કોઈ નથી. લગ્નમાં ફક્ત સગાંવહાલાં-ઓળખીતાને હાય હલ્લો કરી બુફે તરફ ધ્યાન આપવામાં આવે છે. કેટલી જાતની વાનગી અને કેટલી જાતના સૂપ-અન્ય જૂદી જૂદી જાતના ચટપટા સ્વાદવાળી વાનગી અને છેવટે આઈસ્ક્રીમ ખાધા પછી ચાલતી પકડે છે. હવે કોઈને કોઈની ટીકા ટીપ્પણી કરવાનો સમય પણ નથી. તમે સાદાં કપડાં અને પગમાં સ્લીપર પહેરીને જશો તો પણ કોઈ તમારા તરફ ધ્યાન આપશે નહીં. – હવે તો સુધરો ‘‘પછી તમે જાણો’’
સુરત- ધનસુખલાલ એન. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.