સુરત: સુરતના મહીધરપુરામાં એરકન્ડીશનરની લે વેચનો શો રૂમ ધરાવતા વેપારી સાથે છેતરપિંડી થઈ છે. સોશિયલ મીડિયા પર ફોટા જોઈને મુંબઈના વેપારીને એરકન્ડીશનર ખરીદીનો ઓર્ડર આપવાનું સુરતના આ વેપારીને ભારે પડી ગયું હતું. ઓર્ડર લીધા બાદ મુંબઈના ઠગે એસીની ડિલીવરી નહીં કરી છેતરપિંડી કરી હતી. મહીધરપુરાના વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહીધરપુરાની દૂધારા શેરીમાં મેટ્રો કુલ કોર્પોરેશન નામની એસી લે વેચની દુકાન ધરાવતા ધ્યાની હરીશ જોશી સાથે મુંબઈના ઠગે છેતરપિંડી કરી છે. ધ્યાની જોશીએ પોલીસને જણાવ્યું કે, પોતે ગઇ તા.૧૭/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના સમયે દુકાને હાજર હતો ત્યારે તેમના મોબાઇલ ફોનમાં ફેસબુકમાં માર્કેટ પ્લેસ નામનું એક લીંક હતી જેમાં ઇલેક્ટ્રોનીક્સના માલ સામાનનો વેપાર ધંધો કરતા વેપારીઓનું ગ્રુપ હોય છે જે તમામ વેપારીઓ પોત-પોતાનો ઇલેકટ્રોનીક્સનો સામાન આ પેજ ઉપર ફોટા અપલોડ કરે છે અને પોતાના માલ સામાનની જાહેરાત કરે છે.
તેવી રીતે આ માર્કેટ પ્લેસ પેજમાં એક મેહુલ પંચાલ નામના વેપારીએ પોતાની મેહુલ ઇલેકટ્રોનીક્સ નામથી અલગ-અલગ કંપનીના એ.સી.ના ફોટાઓ તથા ભાવની વિગતો અપલોડ કરી હતી, જેથી તેની પ્રોફાઇલ ચેક કરીને જોતા તેમાં અલગ-અલગ કંપનીના એ.સી. ફોટાઓ તથા ભાવ તેમજ વોરંટી જોવા મળી હતી. મેહુલ ઇલેક્ટ્રોનીક્સનું સરનામું-૫૦૨, ઉષા સદન એપાર્ટમેન્ટ, પોસ્ટઓફિસ પાસે નાવ્યા નગર, કોલાબા, મુંબઇનું હતું તેમજ મોબાઇલ નંબર-૭૩૮૩૦૮૯૦૯૮ હતો. આ વેપારીના એ.સી.ના ભાવ રીજનેબલ લાગતા અને હાલમાં ઉનાળાની સિઝન ચાલુ થવાની હોવાથી એ.સી.નો સ્ટોક ખરીદી કરવાની હેતુથી ધ્યાની જોશીએ મેહુલ પંચાલને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે પોતે સુરતમાં “મેટ્રો કુલ કોર્પોરેશ” નામની એ.સી. લે-વેચનો ધંધો કરે છે અને Mitsubishi કંપનીના એ.સી.ની જરૂરીયાત છે, જેથી મેહુલ પંચાલે કહ્યું હતું કે, પોતે મુંબઇમાં મોટા વેપારી છે અને દરેક કંપનીની એ.સી. મળી જશે. આથી ધ્યાની જોશીએ એક એસીના ૩૮,૦૦૦ લેખે ચાર એસી. નો ઓર્ડર આપ્યો હતો.
ઓર્ડર આપતા પહેલાં ધ્યાની જોશીએ મેહુલ પંચાલનો જીએસટી નંબર પણ મંગાવ્યો હતો. બાદમાં ઓનલાઈન બે દિવસમાં 1.14 લાખ મેહુલ પંચાલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પેમેન્ટ થયા બાદ મેહુલ પંચાલે સાંજ સુધીમાં દુકાને Mitsubishi કંપનીના 1.6 ટનના ચાર એ.સી. ડિલીવરી ટ્રાન્સપોર્ટ મારફતે કરાવવાની ખાતરી આપી હતી, પરંતુ એસી આવ્આયા નહોતા. ત્યાર બાદ મેહુલ પંચાલે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા છેતરપિંડી થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. ધ્યાની જોશીએ સાયબર ફ્રોડની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.