Gujarat

પંચમહાલ જિલ્લામાં 100 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક ESIC હોસ્પિટલને મંજૂરી

ગાંધીનગર: પંચમહાલ (Panchmahal) જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ બેડની નવીન ESIC હોસ્પિટલની (Hospital) મંજૂરી મળી છે. આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે. ૧૦૦ પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલ જીલ્લાના ઔધોગિક વિસ્તારની સાથે સાથે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે. તેઓને હવે તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહિ પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતુ કે, રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલ જિલ્લામાં એન્જિનિયરિંગ વર્ક્સ-મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ- ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ- સેનિટરી વેર- ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ- આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.

હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે.

Most Popular

To Top