સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અનેકગણી છે. લોકો વાર તહેવાર પોતાની ઉજવણીમાં નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ, ગીતો સામેલ કરતા હોય છે, આવું જ કંઈક સુરતમાં બન્યું છે. સુરતના કાપડના વેપારીઓએ હોળી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક અનોખું ગીત બનાવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરતમાં વસતા રાજસ્થાની કાપડના વેપારીઓ ચંગની તાલ પર મોદીજીનું ગીત લલકારી પરંપરાગત રીતે નૃત્ય કરી ફાગોત્સવની ઉજવણી કરતા જોવાનો લ્હાવો જ અલગ છે.
સુરતમાં ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ આવીને વસ્યા છે. મોટા ભાગે રાજસ્થાનીઓ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. દર વર્ષે આ મૂળ રાજસ્થાનના પર સુરતમાં સ્થાયી થયેલા કાપડના વેપારીઓ ફાગોત્સવની ઉજવણી 15 દિવસ પહેલાં શરૂ કરી દે છે. આ વેપારીઓ દ્વારા અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેઓ રોજ રાત્રે અલગ અલગ ઠેકાણે ભેગા થઈને ચંગની તાલ પર રાજસ્થાની લોકગીતો લલકારે છે અને નૃત્ય કરે છે. આ વખતે એક ગ્રુપ દ્વારા નરેન્દ્ર મોદીની પ્રશંસામાં એક ગીત બનાવવામાં આવ્યું છે, જે સુરતમાં વસતા રાજસ્થાની સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે.
હાલમાં આ કાપડના વેપારીઓએ હોળીને ધ્યાનમાં રાખીને પીએમ મોદી માટે એક અનોખું ગીત તૈયાર કર્યું છે. આ ગીત પર તેઓ જોરદાર ડાન્સ કરી રહ્યા છે. આ ગીતમાં તેણે પીએમ મોદીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે આખી દુનિયા પર મોદીનો ઘણો પ્રભાવ છે. હોળી નિમિત્તે ગવાયેલું પીએમ મોદી પર લખાયેલું ગીત અને હોળી દિવાના ગ્રુપ દ્વારા હોળીના ગીતોને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા.
હોળી દીવાના ગ્રુપના સભ્ય અતુલ મોહતા કહે છે કે અમારા ગ્રુપમાં 80 થી 100 સભ્યો છે, જેઓ કાપડ બજાર સાથે સંકળાયેલા છે. રાજસ્થાનની પરંપરા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમામ સભ્યો પીએમ મોદી અને તેમના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત અને ખુશ છે, તેથી તેઓએ મોદી પર આ ગીત લખ્યું. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને રોકવા માટે નરેન્દ્ર મોદી મધ્યસ્થી કરે તે માંગણી સાથે વેપારીઓએ આ ગીત તૈયાર કર્યું છે. આ સાથે જ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિપક્ષ પર ભારે પડશે તેવો પણ ગીતમાં ઉલ્લેખ કરાયો છે.