વલસાડ: (Valsad) કપરાડા નજીક કુંભઘાટમાં સોમવારે ખિલખિલાટ ઈકો એમ્બ્યુલન્સના અકસ્માત (Accident) દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી બંને ગર્ભવતી મહિલાને ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જોકે છ જેટલી ગર્ભવતી મહિલાને લઈને આવી રહેલી એમ્બ્યુલન્સને કુંભઘાટ પાસે ટ્રકે (Truck) ટક્કર મારતા એમ્બ્યુલન્સ જે રીતે રસ્તા ઉપર પલ્ટી મારી ગઈ હતી તે વાતને લઈને આખા પંથકમાં ચર્ચા ચાલી હતી. જોકે બધી ગર્ભવતી મહિલાઓ સલામત રહેતા મોટી ઘાત ટળી હોવાનું દેખાઈ રહ્યું હતું. બે મહિલાઓને આ અકસ્માતમાં ઈજા થઈ હતી. જેને ધરમપુરમાં રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
- છ ગર્ભવતી મહિલાની એમ્બ્યુલન્સને અકસ્માતમાં ઈજાગ્રસ્ત બે મહિલા સારવાર હેઠળ
- ખિલખિલાટ ઈકો એમ્બ્યુલન્સને ટ્રકે ટક્કર મારતા કપરાડા નજીક કુંભઘાટમાં અકસ્માત નડ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે વડોલીથી ધરમપુર રાજચંદ્ર હોસ્પિટલમાં 6 ગર્ભવતી મહિલાને લઈને એમ્બ્યુલન્સ આવી રહી હતી. સાથે એક આશાવર્કર પણ હતી. ત્યારે કપરાડા નજીક કુંભઘાટમાં આ અકસ્માત નડ્યો હતો. બે ઈજાગ્રસ્ત ગર્ભવતી મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી. અકસ્માતમાં ખિલખિલાટ ઈકો એમ્બ્યુલન્સને ભારે નુકશાન થયું હતું. આ બનાવમાં અન્ય ગર્ભવતી મહિલાઓ તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો બચાવ થયો હતો. આ બનાવમાં ગર્ભવતી મહિલા વૈશાલીબેન સંતોષભાઈ ઓધરને હાથમાં અને માથામાં ઈજા થઈ હતી. જ્યારે મનીષાબેન કલ્પેશભાઈ બરતને હાથમાં ઈજા થઈ હતી. આ બંને ગર્ભવતી મહિલા હાલ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.