સુરત: ઘૂંટણના દુ:ખાવાથી પીડાતા માતાની સારવાર માટે વગર ઓપરેશને ઈલાજનો વિકલ્પ અપનાવવા જતા સુરતની મહિલા ડોક્ટરને ખૂબ જ કડવો અનુભવ થયો છે. બિલકુલ બિનપરંપરાગત રીતે ઈલાજ કરવાના ધતિંગ કરીને ટોળકીએ મહિલા ડોક્ટર સાથે માથાકૂટ કરી હોવાનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે.
રાજસ્થાનની બોગસ ડોક્ટરની ટોળકીએ મહિલા ડોક્ટરને તેની માતાના ઘૂંટણના ભાગમાં ગંદકીનો ભરાવો થયો છે, તે ચુસકી મારીને બહાર કાઢવો પડશે એમ કહી ઘુંટણનાભાગે બ્લેડથી કાપો મારી પિત્તળની ભૂંગળી ઉપર મુક્યા બાદ ચુસ્કી મારી હતી. એક ચુસ્કીના રૂપિયા 6 હજાર લેખે 6 લાખની માંગણી કરી હતી. ત્યાર બાદ બળજબરીપૂર્વક 1 લાખ પડાવ્યા હતા. જોકે મહિલા ડોક્ટરને શંકા જતા તેણીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી બંને બોગસ ડોક્ટરોને અટકમાં લઈ આગળ તપાસ હાથ ધરી છે.
અલથાણ પોલીસના જણાવ્યા મુજબ અલથાણ કેનાલ રોડ શિવ સોમેશ્વરા એન્કલેવની ગલીમાં આકાશ ઈક્કો પોઈન્ટ ખાતે રહેતા અને ફીઝીયોથેરાપી હોમસર્વીસ તરીકે કામ કરતા ડો. દિનાબેન યોગેશભાઈ પટેલ (ઉં.વ.36) ગઈ તા 22મી ફેબ્રુઆરીના રોજ તેના માતા રાઈબેન સાથે ચાલતા ચાલતા ઓક્સીજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા તે વખતે વેકેન્ઝા એપાર્ટમેન્ટની સામે રોડ ઉર એક અજાણ્યો ઉભો હતો તેણે તેમની માતાને ‘આંટી આપકે ઘુંટણ મેં તકલીફ હે મેરી મમ્મી કો ભી ઐસા હી થા બટ વિધાઉટ ઓપરેશન ઠીક કર દીયા’ એવુ કહ્યું હતું જેથી દીનાબેને તેને ડોક્ટર વિશે પુછતા ‘મેરી મમ્મા કો પતા હૈ ડોકટરકા નંબર ભી મેરી મમ્મા કો પતા હૈ આપકો મેરી મમ્મા કા નંબર દેતા હું’ કહી આરતી નામની મહિલાનો મોબાઈલ નંબર આપ્યો હતો,આરતીને ફોન કરતા તેઓએ ડોકટર આર.મર્ચન્ડનો નંબર આપ્યો હતો.
ડો. આર. મર્ચેન્ડએ ઘુંટણી તકલીફ સારી થઈ જશે પરંતુ હાલમાં અમો વ્યસ્ત હોય અને 27મી ફેબ્રુઆરીથી એપોઈમેન્ટ આપી હતી પરંતુ તે દિવસે નહી આવી બીજા દિવસે એટલે 28 ફેબ્રુઆરીના રોજ બારેક વાગ્યાના આરસામાં હાફીજ મહમદ અબ્દુલ અને મહમદ આસીફ હાફીજ મહમદ (ઉ.વ.32) ઘરે આવ્યા હતા. ડોક્ટર તરીકે ઓખળ આપનાર આ બંને જણાએ દીનાબેનની માતા રાઈબેન (ઉ.વ.૫૯)ને ઘુંટણ તપાસી બંને ઘુંટણના ભાગે ગંદકીનો ભરાવો થયો છે તે ચુસકી મારીને બહાર કાઢવો પડશે તેમ કરી ઘુંટણના ભાગે બ્લેડથી કાપો મારી તેના ઉપર પિત્તળની ભૂંગળી મુકી ચુસકી મારી ઘુંટણના ભાગમાંથી ગંદકી બહાર કાઢી છે અને એક ચુસકીના 6 હજાર લેખે 6 લાખની માંગણી કરી આખરે 1 લાખ બળજરી પુર્વક પડાવ્યા હતા. તેમજ બાકીના પાંચ લાખની માંગણી કરી ગાળાગાળી કરી હતી. જોકે દિનાબેનને શંકા જતા પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી બંને જણાને અટકમાં લીધા હતા. પોલીસે દીનાબેનની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.