નડિયાદ: આગામી 7 તારીખે ફાગણી પૂનમ છે. આ દિવસે ડાકોરના ઠાકોરજીના દર્શન કરવાની ભક્તજનોમાં એક જુદી જ તલબ હોય છે. આ સાથે જ ડાકોર સુધી ચાલીને જવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. ત્યારે ડાકોર ચાલીને જતા પદયાત્રીઓ માટે ઠાકોરજીના ભાવિક ભક્તોએ સેવાના ધોધ વરસાવવા માટે તંબુઓ તાણવાનું શરૂ કરી દીધુ છે. તો પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ પણ અનેક નિર્ણયો લીધા છે અને જાહેરનામા થકી નિર્ણયો લાગુ કરી દેવાયા છે.
ડાકોરમાં ફાગણી પૂનમ સૌથી મોટો ઉલ્લાસ અને ભક્તિનો દિવસ મનાય છે, ત્યારે આ પૂનમ ને આસપાસના દિવસોમાં ભક્તોનું ઘોડાપુર ડાકોરમાં ઉમટે છે. ફાગણી પૂનમને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પદયાત્રીઓને ઘસારો હવે ડાકોર તરફ આવતા તમામ માર્ગો પર શરૂ થઈ જશે. ઠાકોરજીમાં આસ્થાળુઓ તેમના દર્શન કરવા માટે આતુર બન્યા છે, ત્યારે બીજી બાજુ સેવાઓના ટેન્ટ બાંધવાનું શરૂ થઈ ગયુ છે.
અમદાવાદથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી તરફ આવતા માર્ગ પર તો વળી, ખાત્રજ ચોકડીથી મહુધા થઈ ડાકોર જતા રોડ ઉપરાંત આણંદથી ડાકોર તરફ આવતા માર્ગ, નડિયાદથી ચકલાસી ભાગોળ થઈ ડાકોર તરફ જતા માર્ગ, ઠાસરાથી ડાકોર આવતા માર્ગ પર તંબુઓ બાંધવાનું શરૂ થઈ ગયુ છે. જ્યાં વિસામો, ભંડારો, ચ્હા-નાસ્તા સહિત મેડિકલના ટેન્ટ શરૂ કરી દેવાશે. બીજીતરફ તંત્ર દ્વારા પણ ફાગણી પૂનમ પૂર્વે અનેક તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અનેક માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે.
રાસ્કા પોટા હટ કેનાલ (અમદાવાદ રોડ)થી મહેમદાવાદ, ખાત્રજ ચોકડી, મહુધા ચોકડી, અલીણા ચોકડી, ગાયોના વાડા ડાકોર, મહુધા ટી–પોઈન્ટ ડાકોર સુધી જતો-આવતો તમામ વાહન વ્યવહાર, ખેડા ચોકડીથી ખાત્રજ ચોકડી તરફ જતા વાહનો, નડિયાદ કમળા ચોકડીથી ખાત્રજ ચોકડી થઈ મહેમદાવાદ અને અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર, નડિયાદ થી સલુણ થઈ ડાકોર તરફ જતા તમામ મોટા વાહનો, નડિયાદ બિલોદરા જેલ ચોકડીથી મહુધા થઈ કઠલાલ, કપડવંજ તરફ જતા મોટા વાહનો, કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઇ નડીયાદ, મહેમદાવાદ તરફ આવતા તમામ મોટા વાહનો, લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો, અમદવાદ ઈન્દોર રોડ ઉપર કઠલાલ તાલુકાના સીતાપુર પાટીયાથી મહીસા થઈ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો, સેવાલીયા તરફથી ડાકોર તરફ આવતા તમામ મોટા વાહનો, સાવલીથી ગળતેશ્વર બ્રીજ થઇ, અંબાવ થઇ ડાકોર તરફ આવતાં તમામ વાહન વ્યવહારને ડાયવર્ટ કારાયો છે.
આ છે વૈકલ્પીક રસ્તાઓ
મુખ્ય રસ્તાઓ પર પ્રતિબંધ મુક્યા બાદ વૈકલ્પીક રસ્તાઓ તરીકે રાસ્કા પોટા હટથી ડાયવર્ટ કરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના હીરાપુરા ચોકડી થઈ આગળ જશે. મહુધા-ટી પોઈન્ટ ડાકોરથી લાડવેલ ચોકડી થઈ આગળ જશે. ખેડા ચોકડીથી મહેમદાવાદ – ખાત્રજ ચોકડી થઈ મહુધા તરફ આગળ જતા વાહનોને ને.હા.નં.8 થઈ આગળ જશે. નડિયાદ કમળા ચોકડીથી ખાત્રજ ચોકડી થઇ મહેમદાવાદ, અમદાવાદ તરફ જતા મોટા વાહનો નડિયાદ શહેર મીલ રોડ, રેલ્વે ઓવરબ્રિજ, મિશન રોડ, ડભાણ ચોકડી ને.હા.નં.8 અથવા એક્સપ્રેસ-વે થઈ આગળ જશે.
નડિયાદથી સલુણ થઈ ડાકોર તરફ જતા વાહનોને ચકલાસી ભાગોળથી ડાયવર્ટ કરી કોલેજ રોડ થઈ ને.હા.નં.8 ઉપર થઈ આગળ જશે. નડિયાદ બિલોદરા જેલ ચોકડીથી મહુધા થઈ કઠલાલ તરફ જતા મોટા વાહનો ડભાણ ને.હા.નં.8 અથવા એકસપ્રેસ-વે થઈ આગળ જશે. કઠલાલ ચોકડીથી મહુધા ચોકડી થઇ નડિયાદ, મહેમદાવાદ તરફ આવતા મોટા વાહનો કઠલાલ ચોકડી થઈ લાડવેલ ચોકડી અથવા અમદાવાદ તરફના રોડ ઉપર થઈ આગળ જશે. લાડવેલ ચોકડીથી ડાકોર તરફ આવતા વાહનોને લાડવેલ ચોકડીથી ડાઇવર્ટ કરી ફાગવેલ થઈ આગળ જશે. અમદાવાદ – ઈન્દોર રોડ ઉપર કઠલાલ તાલુકાનાં સીતાપુર પાટીયાથી મહીસા થઈ અલીણા ચોકડી તરફથી આવતા મોટા વાહનો કઠલાલ ચોકડી તથા લાડવેલ ચોકડી થઈ આગળ જશે.