સુરત: શહેરમાં વધતી જતી વસતીને કારણે પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા ઘણા પ્રયાસો થઇ રહ્યા છે. ખાસ કરીને માસ ટ્રાન્સપોર્ટેશનની વધુ ને વધુ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જો કે, માસ ટ્રાન્સપોર્ટેશન અને સુરત માટે મેગા પ્રોજેક્ટ એવા મેટ્રો રેલનું કામ જે છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે તેમાં મેટ્રો રેલ કોર્પોરેશન સાથે સ્થાનિક તંત્રને કો-ઓડિનેશનમાં નહીં લીધું હોવાથી સ્થાનિક લેવલે ઘણાં પ્રશ્નો ઊભા થયાં છે. ખાસ કરીને સુરતની પ્રજા સાથે સંકળાયેલા હોય તેવા કોઇ અધિકારી મેટ્રો રેલ કોર્પોરેશનમાં જવાબદાર સ્થાને નહીં હોવાથી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના નામે આડેધડ તાણી બંધાયેલા બેરિકેડ અને ખોદકામો થઈ રહ્યાં છે તેના કારણે સુરતીઓ ગળે આવી ગયાં છે.
- પાલિકા-પોલીસ અને મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવે વચ્ચે પ્રજા પીસાઈ રહી છે
- મેટ્રો પ્રોજેક્ટ માટે અણધડ રીતે ઠેર ઠેર ઊભા કરાયેલાં બેરિકેડના કારણે કાદરશાની નાળથી લઈને ચોકબજારની આસપાસનો સમગ્ર વિસ્તાર અને તેના રહીશોને રીતસર બાનમાં લીધા હોય તેવી સ્થિતિ છે
શહેરના વિકાસ માટે ભોગ આપવા માટે જાણીતા સુરતવાસીઓની સહનશક્તિની પરિક્ષા મેટ્રો રેલ કોર્પોરશન લઇ રહ્યું છે. કેમ કે, છેલ્લા એક-દોઢ વર્ષથી શહેરના હાર્દ એવા ચોકબજાર ચાર રસ્તાની આજુબાજુનો વિસ્તાર બેરિકેડથી બંધ કરી દેવાતા નાની-નાની ગલીઓમાંથી લોકો એડજેસ્ટ કરીને અવરજવર કરી રહ્યાં છે. રિક્ષા અને ફોરવ્હીલના ચાલકો માટે તો સૌથી ત્રાસદાયક સ્થિતિ છે. ચોકબજારના ઘેરાવામાં ચારેકોર બાંધેલા બેરિકેડ અને ટ્રાફિક જામની સમસ્યાથી લોકોના માથા ફાટી રહ્યાં છે. સાથે સાથે આ વિસ્તારના દુકાનદારોની હાલત તો તેનાથી પણ દયનિય છે. લોકડાઉન અને કોરાનાના કારણે એક વર્ષ સુધી ધંધા-રોજગારમાં સતત ફટકો સહન કરનાર દુકાનદારોને હવે મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓની અણઘડતાના કારણે ધંધો ગુમાવવો પડી રહ્યો છે. આવું જ વરાછાના લંબે હનુમાન રોડ પર અને ભટારથી અલથાણ જતા રસ્તા પર છે. એક સમયે મુખ્ય રોડ ગણાતા આ રસ્તા પર બાપદાદાના સમયથી ધંધો કરતા વેપારીઓની હાલત આજે સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. 40 ટકા દુકાન તો માત્ર ખોલવા ખાતર ખૂલતી હોય તેવી હાલત છે. એટલું જ નહીં ઘણા વેપારીઓએ પોતાની બાપદાદાના સમયની દુકાનો બંધ કરી અન્ય વિસ્તારમાં ભાડેથી દુકાન લઇ ધંધો કરવા મજબૂર થવું પડી રહ્યું છે.
જીએમઆરસી દ્વારા સુરત શહેરમાં બે ફેઝમાં સાકાર થનારી મેટ્રો માટેનાં ટેન્ડર સોંપી દેવાયાં છે. સુરતમાં સરથાણાથી ડ્રીમ સિટી અને ભેંસાણથી સારોલી એમ બે રૂટ પર મેટ્રો દોડશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ માટે ટનલ બોરિંગ મશીનની મદદથી ટનલનું કામ પણ શરૂ કરી દેવાયું છે. પરંતુ જે વિસ્તારોમાં હજી કામ શરૂ જ નથી થયું ત્યાં પણ બેરિકેડ લગાવી દીધા હોવાથી લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા છે તેવા વિસ્તારોમાં બેરિકેડ લગાવી દેતાં ટ્રાફિક વકરી રહ્યો છે. જેમ કે, ભટાર ચાર રસ્તાથી અલથાણ જતો રોડ, કાદરશાની નાળ, રિંગ રોડ સબજેલ સામે, મજૂરાગેટ સિવિલ હોસ્પિટલની સામે, એલ.પી. સવાણી રોડ-અડાજણ અને વરાછામાં લંબે હનુમાન રોડ તો મહદ્અંશે બંધ હોય તેવી હાલત થઇ ચૂકી છે. આ પૈકી ઘણા વિસ્તારોમાં કોઈ કામગીરી થઈ રહી નથી. માત્ર બેરિકેડ લગાવી દીધાં છે.
જાયે તો જાયે કહાં? એક બાજુ મેટ્રોનાં બેરિકેડ, બીજી બાજુ દબાણો અને ત્રીજી બાજુ રિક્ષાચાલકોનો અડિંગો
અતિ ગીચતા ધરાવતા ચોક બજાર વિસ્તારની પ્રજાની લાચારી ગણો કે સહનશક્તિની ચરમસીમા ગણો, અહીંની પ્રજા એક બાજુ ચારેકોર તંબુની જેમ ઊભા કરી દેવાયેલા બેરિકેડના કારણે ધંધા-રોજગાર ગુમાવી રહી છે. ટ્રાફિકજામના સખત ત્રાસદાયક સ્થિતિના કારણે સતત હાલાકીમાં મુકાઇ રહી છે. તો બીજી બાજુ બાકી રહેતા રસ્તા પર મક્કાઇ પુલની આસપાસ તેમજ કાદરશાની નાળ અને ત્યાંથી મજૂરા ગેટ સુધી લારી-ગલ્લાનાં દબાણો, તો ચોકબજાર રામભરેસો હોટલ અને તેની આગળના ભાગમાં આસપાસ આડેધડ ઊભા રહેતા રિક્ષાચાલકોના કારણે જે ટ્રાફિક થાય છે તે અસહ્ય છે. અહીં ઊભેલી ટ્રાફિક પોલીસના ઝૂંડ એકાદ બે બાઈકવાળાને પકડીને તેની જોડે માથાકૂટ કરવામાં પડેલા હોય છે પરંતુ ટ્રાફિકનું નિયમન કરતાં ભાગ્યે જ જોવા મળે છે. એક તરફ રાંદેરરોડ તરફથી ચોક તરફ આવતો ટ્રાફિક, સામે ભાગળ તરફથી રાંદેર તરફ આવતો ટ્રાફિક અને ચોકબજારના બોટલનેક પર ઊભી રહેતી રિક્ષાઓ અને સોપારીગલીમાંથી આવતો ટ્રાફિક આ બધાના લીધે અહીં એટલો ઝમેલો થાય છે પરંતુ ટ્રાફિક પોલીસ પોતાના સેટિંગમાં જ મસ્ત હોય છે.
બે દાયકાથી જમાવેલો ધંધો પડી ભાંગ્યો: પરેશ ગોહિલ
ચોક બજાર વિસ્તારમાં સોફા-સીટ કવર વગેરેનું કામ કરતા પરેશ ગોહિલ જણાવે છે કે, છેલ્લા બે દાયકાથી આ વિસ્તારમાં ધંધો જમાવવા તનતોડ મહેનત કરી હતી. હવે, મેટ્રોના કારણે ચોક બજાર વિસ્તારમાં ચારે બાજુ બેરિકેડ લાગી જતાં અમારી દુકાનના રસ્તા પર અવરજવર નહીંવત થઇ ગઇ છે. હવે અન્ય વિસ્તારમાં ભાડેથી દુકાન લઇ ધંધો કરવા જાઉં એવો વિચાર આવે છે.
અમારે તો દુકાન ખોલવાનું મુશ્કેલ બની ગયું છે : પ્રેમલ ઝવેરી
સોની ફળિયા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા પ્રેમલ ઝવેરી જણાવે છે, કોટ વિસ્તાર ધૂળિયો ગઢ બની ગયો હોય તેવી હાલત છે. ગાંધીજીની પ્રતિમા પાસેથી જ બેરિકેડ ઊભા કરી દેવાયા હોવાથી સોની ફળિયા તરફ આવતાં લોકો નહીંવત થઇ ગયા છે. જેના કારણે ધંધાને અસર થઇ છે. સાથે સાથે સતત ધૂળ ઊડતી રહે છે. આથી આ વિસ્તારમાં બેરિકેડની વચ્ચે પણ દુકાન ચાલુ રાખી જેમતેમ ટકી રહેલા દુકાનદારોને દુકાન ખોલવી મુશ્કેલ બની ગઇ છે. કેમ કે, દુકાન ખોલે તો ધૂળના કારણે દુકાનોનો સામાન બગડી જાય છે.
કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં મુકાતાં કામ મોડું ચાલી રહ્યું હોવાની ચર્ચા
એક બાજુ સુરતવાસીઓ મેટ્રો રેલ પ્રોજેક્ટના કામની કાચબા ગતિના કારણે હાલાકી વેઠી રહ્યાં છે, તો બીજી બાજુ આટલા મોટા કામના ઇજારદાર પૈકી સદભાવના નામની એજન્સી કોઇ મુશ્કેલીમાં મુકાઇ હોવાથી કામમાં મોડું થઇ રહ્યું હોવાની પણ ચર્ચા છે. જો કે, મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, સદભાવનાનું કામ વચ્ચે ખોરંભે પડ્યું હતું પરંતુ હવે ફરી ગાડી પાટે ચડી ગઇ છે.
કાદશાની નાળ પાસે સર્કલ નાનું કરી, ભંગારના ઝમેલા દૂર કરવા નગરસેવક વ્રજેશ ઉનડક્ટે અવાજ ઉઠાવ્યો
પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ નગરસેવકો અને ધારાસભ્યો પણ મજબૂરીથી મૌન ધરીને બેઠા છે અને પ્રજા લાચાર છે. મેટ્રોની મોંકાણ શરૂ થઇ ત્યારથી પ્રથમ વખત એક નગરસેવકે ગુરુવારે સ્થાયી સમિતિમાં બેરિકેડના કારણે પ્રજાને થઇ રહેલી પરેશાનીનો મુદ્દો ઉઠાવ્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં કે જ્યાં પહેલેથી જ સાંકડા રસ્તાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી ત્યાં હવે મેટ્રોના કારણે રસ્તા પર બેરિકેડિંગ કરી દેવાતાં ટ્રાફિક થઈ રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં કે જ્યાં મેટ્રો અંડરગ્રાઉન્ડ પાસ થવાની છે ત્યાં ઘણા સમયથી કામ શરૂ કરી દેવાયું છે અને અહીં ચોક, કાદરશાની નાળ વગેરે વિસ્તારમાં ટ્રાફિક થઈ રહ્યો છે. ત્યારે કાદરશાની નાળનું સર્કલ કે જે ખૂબ જ મોટું છે તે નાનું કરવા નગરસેવક વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી છે.
સ્થાયી સમિતિની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે આ સર્કલ નાનું કરવા માંગ કરી હતી. કારણ કે, આ વિસ્તારના રસ્તા ખૂબ જ સાંકડા છે અને અહીં દબાણોની પણ સમસ્યા છે. જેથી લોકોને પહેલેથી જ અહીં ટ્રાફિકની સમસ્યા છે. ત્યારે હવે મેટ્રોનું પણ કામ શરૂ થઈ જતાં લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે. જેથી મેટ્રોનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી આ સર્કલને નાનું કરવા વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ આ વિસ્તારમાં બિરયાનીની લારીઓ તેમજ ભંગારવાળાઓને કારણે રસ્તા પર થતું દબાણ હટાવવા માંગ કરી હતી. જેથી ટ્રાફિક હળવો થઈ શકે. મેટ્રોનું કામ પૂર્ણ થયા બાદ ફરીવાર સર્કલ મોટું કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.