Gujarat

રાજકોટ બાદ હવે કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા

કચ્છ: ગુજરાતના (Gujarat) કચ્છમાં (Kutch) ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. ગતરોજ રાજકોટ (Rajkot) બાદ આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે. જો કે હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર સોમવારે સવારે 10:49 વાગ્યે 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ બાદ ફરી કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો છે. આ અગાઉ રવિવારે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે ગુજરાતના રાજકોટમાં સવારે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ મોડી રાત્રે અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તમને જણાવી દઈએ કે રાજકોટ બાદ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં મોડી રાત્રે 1:42 વાગ્યાની આસપાસ 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભાડસ વાકીયા,જીકીયાળી, મીતીયાળા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અડધી રાત્રે આવેલા ભૂકંપના કારણે ગ્રામજનો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદૂ અમરેલીથી 45 કિમી દૂર નોંધાયું હતું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ અંગે માહિતી આપી હતી. NCS એ ટ્વિટ કર્યું હતું કે રાજકોટના ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW) લગભગ 270 કિલોમીટરના અંતરે બપોરે 3:21 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા અઠવાડિયે, ગુજરાતના અમરેલી જિલ્લામાં બે દિવસમાં ત્રણ નાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગુરુવારે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. અમરેલીથી 44 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં આવેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામમાં 6.2 કિમીની ઉંડાઈએ આંચકા નોંધાયા હતા.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હૈદરાબાદમાં નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન. પૂર્ણ ચંદ્ર રાવે ચેતવણી આપી છે કે ભારતના ઉત્તરાખંડ પ્રદેશ અને પશ્ચિમ નેપાળના ભાગમાં તુર્કી જેવો ભયાનક ભૂકંપ આવી શકે છે. જણાવી દઈએ કે હાલ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 45000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડૉ. રાવના જણાવ્યા અનુસાર ભારતમાં ખાસ કરીને ઉત્તરાખંડનો હિમાલય પ્રદેશ જે પશ્ચિમ નેપાળને અડીને આવેલો છે તે સિસ્મિક ઝોન 4ની શ્રેણીમાં આવે છે. જમીનની અંદર થઈ રહેલા ફેરફારોને કારણે તૂર્કીમાં આવેલા ભૂકંપ જેવો જ ભૂકંપ આવવાનું નિશ્ચિત છે, પરંતુ તેની તારીખ કે સમય મર્યાદા કહી શકાતી નથી. ગુજરાતમાં આવી રહેલા આ ભૂકંપના કારણે સામાન્ય લોકોમાં હાલ ચિંતાનો વિષય ઉભો કર્યો છે. આ ઉપરાંત લોકો એવી ઘારણા કરી રહ્યાં છે કે આ કોઈ મોટી ઘટનાની આગાહી છે.

Most Popular

To Top