વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાછળ આવેલ જામવાડી ખાતે પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે બાર ફૂટનો મગર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ તથા વન વિભાગની ટીમે સંયુક્ત રીતે મગરના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવાયો હતો.પીએમ રિપોર્ટ બાદ મગરના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
એક તરફ છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીના શુધ્ધિકરણ માટે વાતો કરવામાં આવી છે અગાઉ સરકારે વિશ્વામિત્રી શુધ્ધિકરણ માટે ફંડની પણ ફાળવણી કરી હતી.પરંતુ આજદિન સુધી ના તો વિશ્વામિત્રી નદીનું શુધ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું છે, ના કોઇપણ પ્રકારની જાળવણી કરવામાં આવી છે અને તે ફંડના નાણાં ક્યાં ખોવાઇ ગયા તેનો પણ હિસાબ નથી. હા કેટલીક ખાનગી સંસ્થાઓ જેવી કે વિશ્વ હિન્દુ પરિષદ રાવપુરા પ્રખંડ,વહો વિશ્વામિત્રી જેવા એનજીઓ દ્વારા વિશ્વામિત્રી ઘાટોની સફાઇ ઐતિહાસિક ધરોહરની સફાઇ કરવામાં આવી રહી છે.
પરંતુ જે રીતે અગાઉ સરકારે વિશ્વામિત્રી સ્વચ્છતા ભંડોળ આપ્યું હતું તે કંઇ જ થયું નથી.ઉપરથી વિશ્વામિત્રી નદી પર દબાણ થકી બે મોટી હોટલો અહીં ઉભી થઇ ગઇ છે, સાથે જ વિશ્વામિત્રી નદીમાં અસહ્ય ગંદકી, નદી કિનારે ચાલતી શરાબની ભઠ્ઠીઓ, નશાનો કારોબાર,ડ્રેનેજના વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતાં ગંદા પાણી, આ તમામને કારણે આજે વિશ્વામિત્રી નદીમાં જળચર જીવોને નુકસાન પહોંચી રહ્યું છે.જળચર જીવોના જીવન જોખમમાં મૂકાયા છે.ત્યારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા પાછળના નવી જામવાડી ખાતે વિશ્વામિત્રી નદીમાં એક બાર ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી રાજુભાઇ અગ્રવાલે વન વિભાગ તથા ફાયરબ્રિગેડની ટીમને કરતાં ફાયરબ્રિગેડની ટીમ તથા વન વિભાગની ટીમે આ મગરના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારના કારણે બે મહિનામાં બીજા મગરનુ મોત
તંત્રની ભ્રષ્ટાચાર ની નીતિઓથી અહીં હોટલો તથા અન્ય ડ્રેનેજના પાણી, ગંદકીને કારણે છેલ્લા બે મહિનામાં આ બીજા મગરનુ મૃત્યુ થયું છે હવે અહીં કોઇપણ પ્રકારના લોભ,લાલચો, પ્રલોભનો કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે હવે અહીં વિશ્વામિત્રી શુધ્ધ થવી જોઈએ અને જળચર જીવોને નુકસાન ન થવું જોઈએ આ માટે અમે કોઇપણ જાતની બાંધછોડ માટે તૈયાર નથી અને ઉગ્ર આંદોલન કરાશે. – રાજુભાઈ અગ્રવાલ, જીવદયા પ્રેમી