Vadodara

ભાજપાની માંગ અંગે કોઈ ચર્ચા કરાઈ નથી ત્યારે હવે ભાજપા કયા પ્રકારનું સ્ટેન્ડ લેશે?

વડોદરા: બરોડા ક્રિકેટ એસો.ની નવી કમિટીની રચના બાદ રવિવારે તેની એજીએમ મળી હતી. આ એજીએમ પર સહુની નજર એટલા માટે હતી કારણ કે શહેર ભાજપા દ્વારા બરોડા ક્રિકેટ એસો. માં સ્થાનિકોને સમાવવા માંગ કરવામાં આવી હતી અને આ એજીએમમાં આ મુદ્દાને એજન્ડા તરીકે લેવા પણ માંગ કરવામાં આવી હતી. જો કે બીસીએના સભ્યોએ જણાવ્યુ હતુ કે અમને આવી કોઈ પ્રકારની નોટિસ મળી નથી. અને આ એજીએમ માં સભ્ય પદ માટેના કોઈ મુદ્દા વિશે ચર્ચા કરાઇ નથી. બરોડા ક્રિકેટ એસો. ની ચૂંટણીમાં રોયલ રિવાઇલ ગ્રુપના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ આજરોજ સૌ પ્રથમ સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભા પહેલા શહેર ભાજપાના પ્રમુખ ડો.વિજય શાહે પત્રકાર પરિષદ બોલાવી બરોડા ક્રિકેટ એસો. માં વડોદરાના સ્થાનિકોને સભ્યપદ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

તેઓએ આક્ષેપ કર્યા હતા કે બીસીએ માં પણ સગાવાદ ચાલે છે અને બહારના લોકોને સભ્યપદ આપવામાં આવે છે. બીસીએના બંધારણ પ્રમાણે જે વ્યક્તિ 18 વર્ષથી વધુ વયનો હોય અને વડોદરાનો રહેવાસી હોય તે સભ્ય બની શકે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બીસીએમાં નવા સભ્યોની નિમણુંક કરવામાં આવી નથી. ત્યારે ભાજપાએ એવી માંગ કરી હતી કે વડોદરાના સ્થાનિકોને સભ્ય પદ આપવામાં આવે અને રવિવારે યોજાનાર એજીએમ માં આ મુદ્દાને એજન્ડા તરીકે સમાવવામાં આવે ત્યારે આજરોજ મળેલ સામાન્ય સભામાં આવા કોઈ મુદ્દાને સમાવવામાં આવ્યો ન હતો.. બરોડા ક્રિકેટ એસો. ના પ્રમુખ અમીને જણાવ્યું કે અમોને કોઈ પ્રકારની લેખિત નોટિસ મળી નથી. અને આજની એજીએમ માં આવા કોઈ મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું હતું કે ઘણા સભ્યો વર્ષો થી છે.

2000 થી વધુ સભ્યો બીસીએ માં છે. ત્યારે ઘણા એવા ક્રિકેટર પણ છે જેઓ અગાઉ અહી રહેતા હતા અને હાલમાં તેઓ વિદેશમાં છે. જોકે હાલ તેઓ અંગે કોઈ ચર્ચા કરાઇ નથી. નવી કમિટી બનાવ્યા બાદની આ પ્રથમ એજીએમ હતી જેથી એજન્ડા પર જે મુદ્દા હતા તેના પર જ ચર્ચા થઈ છે..બરોડામાં ક્રિકેટ ગ્રાઉન્ડ અંગે તેઓએ જણાવ્યું હતું કે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે લોકલ બોડી સાથે કામ કરવાનું છે અને માળખાકીય સુવિધાઓ માટે તેઓની મદદની જરૂર છે. અમો હાલ મુખ્યપ્રધાન સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે. બીસીએ દ્વારા હાલમાં ભાજપા એ કરેલ માંગ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી ત્યારે હવે ભાજપા કયા પ્રકારનું સ્ટેન્ડ લે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top