Vadodara

મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લિકેટ શૂઝ-ચપ્પલનું વેચાણ

વડોદરા: શહેરના મંગળ બજાર વિસ્તારમાં પુમા કંપનીના નામે ડુપ્લિકેટ બૂટ અને ચપ્પલનું વેચાણ કરતા બે વેપારીઓની પોલીસે કોપીરાઇટ એકટ હેઠળ અટકાયત કરી હતી. પોલીસે ચપ્પલની 282 અને બૂટની 80 જોડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. કોપીરાઈટના હકોનું રક્ષણ કરતી ખાનગી કંપનીને બાતમી મળી હતી કે શહેરના મંગળ બજાર જુલેલાલ મંદિરની સામે આવેલા સ્માર્ટ કોલ્ડ્રીંગના ઉપર ગોડાઉનમાં પુમા કંપનીના ડુપ્લિકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે કર્મચારીઓએ સીટી પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને દુકાનમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કંપનીના દરોડા દરમિયાન સ્થળ પર હાજર સંચાલક મોહમ્મદમિયા અબ્દુલકાદર ગોલાવાલા (રહે.નાની મસ્જિદ પાસે, મોટી વહોરવાડ, વાડી)ની પોલીસે અટકાયત કરી હતી. ટીમને દુકાનમાંથી પુમા કંપનીના ડુપ્લિકેટ રૂપિયા 24 હજારની કિંમતના 80 જોડ શૂઝ મળી આવ્યા હતા. તેવી જ રીતે મંગળબજારમાં શાસ્ત્રી માર્કેટ પાસે નેશનલ ફૂટવેર દુકાનમાં પણ પુમા કંપનીના ડુપ્લિકેટ ચપ્પલનું વેચાણ કરાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે ત્યાં પણ રેઇડ કરીને સંચાલક રહેમતઅલી પ્યારેઅલી પઠાણની અટકાયત કરી હતી. દુકાનમાં તપાસ કરતા રૂપિયા 28,200ની કિંમત ધરાવતા પુમા કંપનીના ડુપ્લિકેટ ચપ્પલની 282 જોડ મળી આવી હતી. પોલીસે બંને સંચાલક વિરુદ્ધ કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top