નડિયાદ: વસોના અલિન્દ્રા ગામમાં રહેતા જાગૃત નાગરીકે કલેક્ટરને પોતાના ગામમાં આવેલી 4 આંગણવાડી અંગે લેખિત રજૂઆત કરી છે. જેમાં આ 4 પૈકી 2 આંગણવાડી બિસ્માર અને 2માં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જણાવ્યુ છે. તેમજ ચારેય આંગણવાડી અંગે કાર્યવાહી માગણી કરી છે. અલિન્દ્રા ગામે રહેતા રાજ પટેલ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, અલિન્દ્રા ગ્રામ પંચાયતમાં 4 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. ગામમાંથી કુલ 200 ઉપરાંત બાળકો આંગણવાડીઓમાં પોતાનું શિક્ષણ મેળવે છે.
જો કે, ભૂલકાંઓ માટેની આ આંગણવાડીની સ્થિતિ ખૂબ જ દયનીય છે. 4 આંગણવાડી પૈકી 2નું બાંધકામ જર્જરીત બન્યુ છે અને 2 આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ પૈકી ચરેડી આંગણવાડીમાં બાંધકામ જર્જરીત થઈ ગયુ છે, જ્યાં 20થી 25 બાળકો આવે છે. અહીં અનેકવાર પોપડા પડ્યા છે, તો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવો ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે. તો વળી, સિકોતર માતાના મંદિર પાસે આવેલી આંગણવાડીમાં 20થી 25 ભૂલકાં આવે છે અને ત્યાં તેમની માટે પીવાના પાણીની સુવિધા ન હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત સેનવા વાસની આંગણવાડીમાં ભૂલકાંઓ માટે શૌચાલયની વ્યવસ્થા નથી, ઉપરાંત શૌચાલયમાં ગેરરીતિ કરીને બનાવતા હાલ બિનઉપયોગી બની ગયુ હોવાનો આક્ષેપ કર્યો છે.