Columns

બેન્કિંગ ક્ષેત્રની લૂંટનો અજાણ્યો ઇતિહાસ : બેન્કો હવામાંથી રૂપિયા કેવી રીતે પેદા કરે છે?

આજે દરેક વિદ્યાર્થીને પૈસા કઈ રીતે ભેગા કરવા એ ભણાવવામાં આવે છે; પરંતુ એ નથી શીખવવામાં આવતું કે આ પૈસા આવે છે ક્યાંથી? આજની તારીખમાં દુનિયાનું કુલ દેવું ૨,૩૫,૦૦૦ અબજ ડોલર જેટલું છે. દરેક વ્યક્તિ કે દેશ આજે કોઈ ને કોઈ પ્રકારના દેવામાં ડૂબેલો છે પણ આટલું બધું દેવું આપ્યું કોણે? તેમની પાસે તે નાણાં ક્યાંથી આવ્યા? એ રહસ્ય સમજવા જેવું છે. બેન્ક વિષે સહુને બે ગેરમાન્યતા છે. એક, બેન્ક ઉધારમાં સાચા રૂપિયા આપે છે. બે, કોઈ એક વ્યક્તિએ જમા કરેલ રૂપિયામાંથી અન્ય વ્યક્તિઓને લોન મળે છે. આ બંને ધારણાઓને હકીકત સાથે કોઈ સંબંધ નથી. હકીકત જાણવા બેન્કિંગ સિસ્ટમના ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડશે.

દેશમાં જ્યારે સોના અને ચાંદીના સિક્કાઓનું ચલણ હતું ત્યારે લોકો પોતાની બચત સાચવવા માટે શાહુકારોને ત્યાં સોંપી જતા, જેની સામે એમને કાગળની રસીદો આપવામાં આવતી. આ રસીદો એ જ આજની કરન્સી નોટનું પૂર્વસ્વરૂપ. પરંતુ જેટલું સોનું અને ચાંદી એટલી જ રસીદ. આ સોનું અને ચાંદી શાહુકારો ઉધાર આપતા હતા અને એના ઉપર વ્યાજ રળતા હતા. વખત જતાં ઉધારમાં પણ સોનું અને ચાંદી આપવાને બદલે કાગળની રસીદ આપવાનું ચાલુ થયું. તેને કારણે શાહુકારો એવા સોના અને ચાંદી પર લોન આપતા કે જે એમની તિજોરીમાં જ ન હોય. સામાન્ય લોકોને આ વાતની જાણ ન થઈ, કેમકે ચલણમાં હવે સોનું અને ચાંદી નહિ પણ કાગળની રસીદો વપરાતી હતી. જો બધા લોકો ભેગા થઈને પોતાનું સોનું અને ચાંદી માંગવા જાત તો શાહુકારોની પોલ ખૂલી જાત, પણ ભરોસાને કારણે લોકો બેવકૂફ બનતાં રહ્યાં.

આ જ શાહુકારો આજે બેન્ક તરીકે ઓળખાય છે. તેમણે એક ડગલું આગળ ભર્યું, જેમાં કાગળની રસીદો (કરન્સી નોટો) પણ લોકોના હાથમાં ન રાખતાં બેન્કમાં જમા કરાવી, જેની સામે પાસબૂક, ચેકબૂક અને ડેબિટ કાર્ડ આપવામાં આવ્યાં. બેન્ક માટે આ બૂક છાપવી સહેલી હતી અને લોકો માટે આ બૂક વડે વ્યવહાર કરવો સરળ હતો. આથી કરન્સી નોટ હવે ડિજિટલ મની બની ગઈ. ડિજિટલ મની વડે ઉધાર આપવું કરન્સી કરતાં પણ સરળ હતું. ફક્ત ખાતામાં એન્ટ્રી પાડવા દ્વારા શૂન્યમાંથી અમાપ નાણાંનું સર્જન થઈ શકતું હતું. બેન્કોની મળતી લોનને કારણે ધનવાન અતિ ધનવાન અને ગરીબો અતિ ગરીબ બનતા ગયા. ધનવાનોને મળતી લોનથી નવાં કારખાનાં સ્થપાયાં, જ્યારે ગરીબોને એ લોનનો ખાસ કોઈ ફાયદો ન મળ્યો.

આ મુદ્દો પણ આપણે ધ્યાનથી સમજીએ. ધારો કે એક ગામમાં ૧૦૦ લોકો રહે છે અને દરેક પાસે ૧ કિલોગ્રામ સોનું છે, જે ગામના શાહુકાર પાસે જમા છે અને લોકો પાસે એની રસીદ છે. મતલબ કે દરેક વ્યક્તિનો એ સોનામાં ૧% હિસ્સો છે. હવે શાહુકારે રસીદ ૫૦૦ કિલોગ્રામ સોના માટે બનાવી અને એમાંથી ૪૦૦ કિલોગ્રામની રસીદ ગામની બે ધનવાન વ્યક્તિ વચ્ચે લોન તરીકે વહેંચી. આના કારણે ગામના દરેક વ્યક્તિનો હિસ્સો ૦.૨% રહ્યો જ્યારે પેલી બે ધનવાન વ્યક્તિઓનો હિસ્સો ૪૦.૧% થઈ ગયો. આથી કહી શકાય કે ગરીબ અને ધનવાન વચ્ચેની ખાઈ બેન્કિંગ ક્ષેત્રને કારણે જ પેદા થઈ છે.

આજે દિલ્હી અને મુંબઈ જેવાં મહાનગરોમાં લોકોના પગાર ખાતામાં જમા થાય છે, દુકાનમાં ખરીદી જી-પે, ફોન-પે અને યુ. પી. આઈ. જેવાં માધ્યમો દ્વારા ડિજિટલ મનીથી જ થાય છે અને લોન પણ ડિજિટલ સ્વરૂપમાં પાસબૂકમાં દેખાય છે. આજે દુકાનમાંથી જો ૨૦,૦૦૦ રૂપિયાનો ફોન કાર્ડ દ્વારા ખરીદશો તો બેન્ક દુકાનદારના હાથમાં રૂપિયા નહીં આપે. એ તમારા ખાતામાં ૨૦,૦૦૦ રૂપિયા ઉધાર કરશે અને દુકાનદારના ખાતામાં ૨૦,૦૦૦ રૂપિયા જમા કરશે. આ રૂપિયા તમારા ખાતામાંથી દુકાનદારના ખાતામાં ગયા તેની સાબિતી શું? ફક્ત પાસબૂક, કે જે બેન્ક છાપે છે.

આજે દેશના કુલ ચલણમાં ફક્ત ૧૫% કેશ છે અને બાકીના ૮૫% ડિજિટલ મની છે. રિઝર્વ બેન્કના આંકડાઓ મુજબ ૨૦૨૨ના ડિસેમ્બરમાં ભારતમાં કુલ ચલણી નોટો ૩૨.૪૨ લાખ કરોડ રૂપિયાની હતી, પણ તેની સામે બજારમાં કુલ નાણું ૨૧૮.૫૯ લાખ કરોડ રૂપિયા હતા, જે ચલણી નોટો કરતાં આશરે સાત ગણું હતું. આ વધારાના ૧૮૬.૧૭ લાખ કરોડ રૂપિયા બેન્કો દ્વારા પેદા કરવામાં આવેલો ફુગાવો છે. આ દરેક ડિજિટલ મની કોમ્પ્યુટરમાં જ અસ્તિત્વ ધરાવે છે, જે બેન્ક દ્વારા બટન દબાવીને ઉત્પન્ન થાય છે અને ધનવાનોને ધંધો કરવા આપી દેવામાં આવે છે. આ ડિજિટલ મનીનું સર્જન પણ “Fractional Reserve System” વડે કરવામાં આવે છે, જે સમજવા જેવી છે.

સમજી લો કે મારી પાસે ૧૦૦ રૂપિયા છે, જે મેં બેન્કને સાચવવા આપ્યા છે. બેન્ક એ પૈકી ૫ રૂપિયા “Reserve” રાખીને બાકીના ૯૫ રૂપિયા ડિજિટલ મની સ્વરૂપે હેમંતને ઉધાર આપશે. હેમંત આ રૂપિયાનો ખર્ચો સુરેશ પાસેથી કરિયાણું લેવા માટે કરશે, જે સુરેશના ખાતામાં જમા થશે. બેન્ક આ જ રૂપિયા પૈકી ૪.૨૫ રૂપિયા (૫%) પોતાની પાસે રાખીને ફરી ૯૦.૭૫ કોઈ બીજાને લોન આપશે. આમ બે વાર લોન આપીને બેન્ક શરૂઆતના ૧૦૦ રૂપિયાને ૧૦૦ + ૯૫ + ૯૦.૭૫ = ૨૮૫.૭૫ બનાવી ચૂકી છે. આ ચક્ર ચાલ્યા કરશે અને છેવટે ૧૦૦ રૂપિયાના ૨,૦૦૦ રૂપિયા થશે. આ પૈકી ૧,૯૦૦ રૂપિયા તો અસ્તિત્વમાં જ નથી. ૧,૯૦૦ રૂપિયા ડિજિટલ મની છે જે બેન્ક પોતાની જાતે બનાવે છે અને વહેંચે છે.

ભારતની જનતા કોઈ દિવસ પોતાનું દેવું ચૂકવી નથી શકવાની. એનું કારણ એ છે કે દેવું હંમેશા વ્યાજ સાથે ચૂકવવાનું હોય છે. એટલે કે જેટલા રૂપિયા ઉધાર લીધા એના કરતાં વધુ પરત કરવા. પરંતુ એ માટે અર્થતંત્રમાં કુલ જેટલું નાણું હોય એ કરતાં વધુ નાણું જોઈએ. આ બાબત સમજવા એક ઉદાહરણ લઈએ. ધારો કે એક ગામમાં કુલ ૧૦૦ કિલોગ્રામ સોનું છે જે તમામ લોન તરીકે વહેંચી દેવાયું છે. હવે એ સોનું પરત કરતી વખતે ૧૦% વ્યાજના દરે ૧૧૦ કિલોગ્રામ સોનું જોઈશે, જે પરત કરવું શક્ય જ નથી.

આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે બેન્ક હવામાંથી સોનું બનાવશે, કે જેનાથી બજારમાં આભાસી સોનાનો જથ્થો વધશે. જો બેન્ક સોનાનો ડિજિટલ જથ્થો વધારીને ૨,૦૦૦ કિલોગ્રામ જેટલો પણ કરે તેમ છતાં મૂળ સોનું તો ૧૦૦ કિલોગ્રામ જ હતું. માટે ૨,૦૦૦ કિલોગ્રામ કાલ્પનિક સોનાની કિંમત તો ૧૦૦ કિલોગ્રામ સોના જેટલી જ રહેવાની છે. આજે કરન્સી નોટો સાથે પણ આ જ થયું છે. મોંઘવારી પાછળ આ પણ એક કારણ છે. આ ઉપરાંત એક બીજી પણ હકીકત છે કે જેમ લોન લેવાથી અર્થતંત્રમાં નાણું વધે છે એમ લોન પાછી ચૂકવવાથી અર્થતંત્રમાં નાણું ઘટે છે. માટે જો બધી જ લોન પાછી ચૂકવાઈ જાય તો ૮૫% નાણું ચલણમાંથી ગાયબ થઈ જશે.

જો તેમ થાય તો બેન્કોનો ધંધો ભાંગી પડે. માટે બેન્કો પ્રજાને કાયમ દેવાદાર રાખવા માગે છે. વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ ડિજિટલ મનીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, કેમકે બેન્કો માટે એ સહુથી સરળ અને નફાકારક રસ્તો છે હવામાંથી રૂપિયા પેદા કરવાનો અને સદીઓથી ચાલતી લૂંટને આગળ ધપાવવાનો. આ રસ્તે ધનવાનો અને ગરીબો વચ્ચેની ખાઈ કોઈ દિવસ પૂરાઈ નહીં શકે કેમ કે આખી બેન્કિંગ સિસ્ટમ ધનકુબેરોના હાથમાં છે અને વિશ્વની ઘણી ખરી બેન્કો આ લૂંટમાં સામેલ છે.

Most Popular

To Top