ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકારનું 2023-24ના વર્ષનું બજેટ (Budget) આવતીકાલ તા.24મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે.તા.24મી ફેબ્રુ.ના રોજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ નાણાંકિય વર્ષ 2023-24ના વર્ષ માટેનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજુ કરશે. આ વખતે બજેટના કદમાં 48 લાખનો વધારો સંભવ છે.રાજ્ય સરકારે ગયા વર્ષે 2.43 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેમાં આ વખતે 20 ટકાનો વધારો થવાની સંભાવના સાથે બજેટનું કદ 2.90 લાખ કરોડ સુધી થઇ શકે છે. નવી સરકાર ચૂંટાયા પછી સરકારનું આ પ્રથમ બજેટ છે.
ગત વર્ષે એટલે 2022-23ના વર્ષ માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ 2.43 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં રજુ કર્યુ હતું. આ વર્ષે સતત બીજી વખત નાણા મંત્રી કનુભાઈ દેસાઈ બજેટના કદમાં 20 ટકા જેટલા વધારા સાથે વર્ષ 2023-2024ના માટે બજેટ વિધાનસભામાં રજુ કરશે. બજેટનું કદ 2.90 લાખ કરોડ રખાય તેવી સંભાવના છે. આગામી તા.15મી એપ્રિલથી રાજયમાં નવી સુધારેલી અને વધારા સાથેની જંત્રી અમલી બની રહી છે ત્યારે ખાસ કરીને 2024માં લોકસભાની ચૂંટણી હોવાથી નાણાં મંત્રી ફુલગુલાબી તથા ફિલ ગુડ બજેટ કરે તેવી તૈયારી ચાલી રહી છે. ભાજપની નેતાગીરીએ વિધાનસભાની ચૂંટણીમાં જે વચનો આપ્યા છે. તે પૂર્ણ કરવા નાણાં મંત્રી દ્વ્રારા રજુ કરવામા આવનાર બજેટમાં નવી યોજનાઓ સમાવિષ્ટ કરાશે તેવી જાણકારી સચિવાલયના નાણાં વિભાગના આંતરીક સૂત્રોમાંથી મળી છે.
ખાસ કરીને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર કોષ , 25000 કરોડની ખેતીને પાણી પૂરુ પાડવાની યોજના , સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજારતમા સી ફૂડ પાર્ક ,મત્સયોદ્યોગ માટે નવી જેટી , કોલ્ડ સપ્લાય ચેઈન , પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ( આયુષ્યમાન ભારત ) હેઠલ સારવારની રકમ 5લાખથી વધારીને 10 લાખ કરવી , મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ 10,000 કરોડનો ખર્ચ , યુવાઓ માટે નવી રોજગારીની તકો , ગ્રીન એનર્જી , સેમિકન્ડકટર્સ , ફિનટેક , એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં ચાર નવી ગુજરાત ઈન્સ્ટી. ઓફ ટેકનોલોજી ની સ્થાપના, ગુજરાત ઓલિમ્પિક મિશનનની જાહેરાત ,ફેમિલી કાર્ડ યોજના , પીડીએસ સિસ્ટમમાં 1 કિલો ચણા , 1 લિટર ખાદ્ય તેલની યોજના , આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે 1 લાખ કરોડનો ખર્ચ , અંબાજીથી ઉમરગામ વચ્ચે બિરસા મુન્ડા આદિજાતિ સમૃદ્દિ કોરીડોર, આદિવાસી વિસ્તારોમાં નવી જીઆઈડીસી, સહિતની નવી યોજનાઓનું અમલીકરણ કરવા વિચારણા ચાલી રહી છે. બજેટમાં ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે પણ વધારાનું બજેટ ફાળવવામાં આવે તેવી સંભાવના છે.