વડોદરા : લોભામણી જાહેરાતો જોઈ નવી સ્કીમમાં ફ્લેટ લેનાર લોકોને હવે રોવાનો વારો આવ્યો છે. આજવા નિમેટા રોડ ઉપર આવેલ રોયલ લાઇફ નામની સ્કીમમાં ફ્લેટ લેનાર ધારકો સાથે બન્યું છે. ફ્લેટમાં રહીશો રહેવા આવી ગયા. પરંતુ આજ દિન સુધી બિલ્ડરે તેમને પઝેશન નથી આપ્યું તેમજ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપી નથી. રેરામાં ફરિયાદ બાદ 9 ટકા વ્યાજ લેખે રૂપિયા પરત કરવા આદેશ તથા કલેક્ટર અને પોલીસ મથકે ફરિયાદ થવા છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા હાલાકીનો ભોગ બનેલા ફ્લેટના રહીશોએ પોતાની આપવીતિ વર્ણવી હતી.
વડોદરાના આજવા નિમેટા રોડ પર જેસીંગપુરાની સીમમાં રોયલ લાઈફ નામની 150 ફ્લેટની વર્ષ 2014માં એક સ્કીમ મૂકવામાં આવી હતી. બિલ્ડર સુનિલ માખીજા દ્વારા લોભામણી જાહેરાતો કરી આ ફ્લેટ વેચ્યા હતા.પરંતુ આ ફ્લેટોનું પઝેશન આપ્યું નથી અને જે ફ્લેટોના પઝેશન અપાઈ ગયા છે તેમાં કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. આ મામલે રેરામાં પણ આ ફ્લેટ ધારકોએ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ત્યારે રેરા દ્વારા પણ 9 ટકા વ્યાજ સાથે રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં પણ તમામ સરકારી આદેશોને ઘોળીને પી જનાર સુનિલ માખીજાએ કોઈપણ જાતની સુવિધા નહીં આપતા આખરે હાલાકીનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. રેરામાં પણ ફરી ફરિયાદ થઈ હતી અને કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં સુનીલ માખીજાના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આ મામલે સ્થાનિક રહીશો એકત્ર થયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક રહીશ પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે અહીંયા મેં સાત ફ્લેટ મારા પૈસાના હિસાબ પેટે મને દસ્તાવેજ કરીને આપ્યા છે.
2019માં આજ સુધી એક પણ ફ્લેટનું પઝેશન આપ્યું નથી.મારા જેવા અનેક લોકોને ફ્લેટ એણે વેચ્યા છે.બાનાખત કરીને વેચ્યા છે તે લોકો લોન ભરીને ચૂકવે છે.પરંતુ આજ દિન સુધી કોઈને પઝેસન આપ્યું નથી.લોનનો હપ્તો પણ એ લોકો ભરે છે.રેરામાં ગયા, રેરાનો ચુકાદો પણ આવી ગયો હતો.પણ મકાન આપતા નથી.કલેકટર ,એસપીને રજૂઆત કરી છે.પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.અત્રે નોંધનીય બાબત છે કે રેરા પોલીસ , કલેક્ટર સમક્ષ બિલ્ડર સુનિલ માખીજા વિરુદ્ધ ફરિયાદ છતાં પણ આજદિન સુધી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.