ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દશ દિવસ બાદ ફાગણી પુનમનો ભવ્ય મેળો યોજાનાર છે. જે દરમિયાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં 10 લાખ કરતાં પણ વધુ દર્શનાર્થે આવવાનો અંદાજ છે. બીજી બાજુ નગરમાં ઠેર-ઠેર બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યાં છે, દરેક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે, અનેક ગટરોના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે, મુખ્ય માર્ગ સહિત કેટલાક વિસ્તારોમાં અડધોઅડધ સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં છે, પરબમાં પાણી નથી, માર્ગો પર પશુઓએ અડીંગો જમાવ્યો છે, ઠેર-ઠેર ગંદકીથી નગર ખબદબી રહ્યું છે. તે જોતાં ડાકોર નગર પાલિકાતંત્ર હજી પણ કુંભકર્ણ નિદ્રા માણી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. ડાકોરના આવા ભુંડા હાલ જોઈને લોકોમાં પાલિકાતંત્ર પરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલીતકે આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ફાગણી પુનમના મેળા દરમિયાન દર્શનાર્થે આવનાર લાખો શ્રધ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.
એક શ્રધ્ધાળુએ આ 13 કામો કરવા સુચવ્યું
છેલ્લાં પંદરેક વર્ષથી ડાકોર મંદિરમાં પુનમ ભરતાં સુરતના એક શ્રધ્ધાળુએ પૂનમને અનુલક્ષીને તંત્રએ તાબડતોડ કરવા જેવા વિવિધ 13 કામો સુચવ્યાં છે. જેમાં શ્રધ્ધાળુઓને શુધ્ધ પાણી આપવું, ચોક થયેલી ડ્રેનેજલાઈનનું સમારકામ કરી ગટર ઉભરાવવાની સમસ્યાનો ઉકેલ લાવવો, મુખ્ય માર્ગ પર બંધ પડેલી સ્ટ્રીટલાઈટો ચાલુ કરાવવી, પદયાત્રીકો માટે મેડિકલ કેમ્પ રાખવા, એસ.ટી તંત્ર દ્વારા વધુ રૂટો પર બસ દોડાવવી, તસ્કરોથી સાવધાનના બોર્ડ મારવા, મેળા દરમિયાન સ્થાનિકોને અવરજવર કરવામાં હાલાકી ન પડે તે માટે ડાકોરના જાણકાર અને અનુભવી પોલીસ અધિકારી મુકવા, બિસ્માર રોડ-રસ્તાની મરામત કરવી, સીનીયર સીટીઝનોને સરળતાથી દર્શન થાય તેવી વ્યવસ્થા ગોઠવવી, 108 એમ્બ્યુલન્સની વધારે ફાળવણી કરવી, કચરાની સફાઈ કરાવવી, ગોમતી તળાવનું શુધ્ધિકરણ કરાવવું અને રખડતી ગાયોને પાંજરે પુરવામાં આવે તેમ જણાવ્યું છે.