સુરત: (Surat) પાર્લેપોઈન્ટ ખાતે રહેતા કાપડ વેપારીએ ઓએલએક્સ (OLX) ઉપર જોઈને વલસાડથી 3.30 લાખમાં કાર (Car) ખરીદી હતી. આ કારનું નામ ટ્રાન્સફર નહી કરી આપતા તેમને કાર લઈ જવા અને પૈસા પરત આપવા કહ્યું હતું. બાદમાં આ કાર ઉપર લોનના હપ્તા બાકી હોવાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- ઓએલએક્સ ઉપર સ્વીફ્ટ ગાડી ખરીદવાના ચક્કરમાં 3.30 લાખ ગુમાવ્યા
- ગાડી બીજાના નામે હોવાનું અને બેંકના હપ્તા બાકી હોવાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી
પાર્લોપોઈન્ટ ખાતે રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય નિલેશ મહાવીર શાહ કાપડ વેપારી છે. ગત 28 એપ્રિલ 2022 ના રોજ તેમને ફોનમાં ઓએલએક્સ પર જોતા એક સ્વીફ્ટ વીડીઆઈ (જીજે-15-સીજે-2903) કાર વેચવા માટે મુકી હતી. તેની કિમત આશરે 4 લાખ હતી. આ કાર સાથે આપેલા નંબર પર સંપર્ક કરતા પરવેઝ ઇમ્તીયાઝ કોલીવાલા (રહે.મોટા ઘાચીવાડ વલસાડ) હોવાનું જણાવ્યું હતું. ગાડી અંગે પુછપરછ કરી એડવાન્સ 20 હજાર તેને પેટીએમ કર્યા હતા. બાદમાં તેને 15 મે ના રોજ વલસાડ ખાતે બોલાવ્યો હતો. વલસાડ સ્ટેશન પરથી આરોપી તેને સાથે લઈ ગયો હતો. ગેરેજનું રિનોવેશન ચાલુ છે તેમ કહીને સ્ટેશન રોડ પર લઈ જઈ ગાડી બતાવી હતી.
ગાડીના 3.30 લાખ નક્કી કરી ગાડીની આરસી બુક, પીયુસી લઈને રોકડા 3.10 લાખ ચુકવ્યા હતા. તેને ગાડી લઈ જવા કહ્યું અને બે દિવસ પછી માણસ આવીને ગાડી નામ પર ટ્રાન્સફર કરી આપશે તેમ કહ્યું હતું. બાદમાં તેને બહાના બનાવતા ગાડી વલસાડ આપવા ગયો તો તે ત્યા નહી આવતા ગાડી લઈને પરત સુરત આવી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે આ ગાડી જેના નામે છે તેને લોનના હપ્તા ભર્યા નથી. જેથી તેને ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.